નખત્રાણામાં વૃક્ષછેદન બાદ `બેસણું'' યોજાયું

નખત્રાણામાં વૃક્ષછેદન બાદ `બેસણું'' યોજાયું
નખત્રાણા, તા. 18 : ગત શનિવાર તેમજ રવિવારે અહીંના એસ.ટી. તંત્ર દ્વારા બસ સ્ટેશનના પ્રાંગણમાં ઉભેલા પીપળા-લીમડા તેમજ વડના વૃક્ષનું નિર્મમ રીતે છેદન (હત્યા) કર્યું તેના પ્રત્યાઘાતમાં અહીંના બસ સ્ટેન્ડ બહાર ગામના વેપારીઓ-જાગૃત નાગરિકો દ્વારા સાંજે 4થી 5 દરમ્યાન શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ તેમજ બેસણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ આપી હતી. ભજન-કીર્તન સાથે આયોજિત આ બેસણાના કાર્યક્રમમાં નખત્રાણા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, સમસ્ત નખત્રાણાના લોકો-નગરજનોની પેઢીઓથી જે વૃક્ષો પ્રત્યે લાગણી છે તે નજરની સામે જડમૂળથી ઉખેડી ફેંકી દેવામાં આવે તે દુ:ખદ ઘટના છે. જો આના માટે કાનૂની લડત કરવી પડશે તો કરશું તેવું કહ્યું હતું. મુખ્ય બજારના વેપારી મંડળના મંત્રી દિનેશભાઇ જોષીએ રોષ સાથે જણાવ્યું કે, આ વૃક્ષો પ્રત્યે અમારી વડીલોથી સંવેદના જોડાયેલી છે. આ વૃક્ષો કાપવાની જો મંજૂરી પણ મળી હોય તો પણ આ નગરના લોકોને વિશ્વાસમાં લઇ માર્ગ કાઢવો હતો, પરંતુ અંધારામાં જે રીતે વૃક્ષોનું છેદન થયું છે તે નિંદનીય છે. આ અંગે એસ.ટી. તંત્ર સામે કાર્યવાહી કરાશે. નખત્રાણાના ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, ધનસુખભાઇ ઠક્કર, જીતુભા જાડેજાએ પુષ્પાંજલિ અર્પી સંવેદના વ્યક્ત કરી હતી. ભજન-કીર્તન સાથે શાત્રોક્ત મંત્રોચ્ચાર તેમજ ગીતાના 15મા અધ્યાય સાથે શાત્રી દિલીપભાઇ જોષીએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં નગરના તમામ સમાજના લોકો જોડાયા હતા તો પુષ્પાંજલિના આ કાર્યક્રમ માટે જીતુભા જાડેજા, રાજેશભાઇ જોષી, જયેશભાઇ જોષીએ જહેમત ઉઠાવી હતી. દરમ્યાન, ગઇકાલે પ્રાંત અધિકારી, મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer