પાક ટીમનો જૂથવાદ સપાટીએ

લંડન, તા.18: વર્લ્ડ કપમાં ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાનની ટીમમાં હડકંપની સ્થિતિ છે. આ હારથી પાકિસ્તાનની ટીમનો જૂથવાદ સામે આવી ગયો છે. પાકિસ્તાનની ટીમ સરફરાઝ, શોએબ મલિક અને ઇમાહ વસીમ જેવા જૂથોમાં વહેંચાઇ ગઈ હોવાનું  મીડિયા હેવાલોમાં  જણાવાઇ રહ્યું છે. વિશ્વ કપમાં પાકિસ્તાન હાલ 3 પોઇન્ટથી ફકત અફઘાનિસ્તાનથી જ આગળ છે. વિશ્વ કપની તેની આગળ રાહ ઘણી કઠિન બની ચૂકી છે. ભારત સામેની 89 રનની હાર બાદ પાક. ટીમના ડ્રેસિંગ રૂમમાં ચાલી રહેલ મતભેદો સામે આવી ગયા છે. સુકાની સરફરાઝ ભલે એમ કહી ચૂકયો હોય કે સિનિયર ખેલાડીઓ સાથે તેને મતભેદ નથી અને ડ્રેસિંગ રૂમનો માહોલ સારો છે. જો કે એવું નથી. રિપોર્ટ અનુસાર સરફરાઝ અને મોહમ્મદ હફિઝ અને શોએબ મલિક સહિતના બીજા કેટલાક સિનિયર ખેલાડીઓ વચ્ચે મતભેદ છે. મેચ પહેલાંની ટીમ બેઠકમાં સિનિયર ખેલાડીઓ ભાગ લઇ રહ્યા નથી. હફિઝ અને મલિકનું માનવું છે કે સુકાની સરફરાઝ તેમને સતત નજરઅંદાજ કરી રહ્યો છે. એવા પણ રિપોર્ટ છે કે ખેલાડીઓ ટીમના નિયમોના આદેશનું પાલન કરી રહ્યા નથી. ભારત સામેની મહત્ત્વની મેચ પહેલાં કેટલાક ખેલાડીઓ રાત્રે 2 વાગ્યા સુધી હોટેલ બહાર હતા. જો કે આ મામલે હજુ સુધી પીસીબી તરફથી કોઇ સ્પષ્ટતા થઇ નથી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer