ભુજમાં છરી અને ધોકા જેવા હથિયારો સાથે ફરતા 11 જણ કાયદાની ઝપટે

ભુજ, તા. 18 : વર્તમાન સમયમાં વધેલા ગોળીબાર અને મારામારીના બનાવોને લઇને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાદળ દ્વારા ખાસ સંયુકત કામગીરી હાથ ધરીને ધોકા અને છરી જેવા હથિયારો સાથે ફરતા 11 જણને ઝડપી પાડી તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઉપરાંત ભુજ એ. અને બી-ડિવિઝન પોલીસ મથકની ટુકડીઓ દ્વારા આ સંયુકત કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં છરી અને ધોકા જેવા હથિયારો સાથે ફરતા ભુજના સોહિલ મહમદશરીફ ટાંક, હનિફ ઉર્ફે હનિયો સુલેમાન કકલ, સિકંદર ઉર્ફે બાબા ઉમર ત્રાયા, અરુણ ઉર્ફે લાલો રામજીભાઇ મારવાડા, માનકૂવાના કલ્પેશ નારાણ સોની, ભુજના દાઉદ ઓસમાણ લાખા, શબ્બીર ઇબ્રાહીમ કુંભાર, કયુમ જુશબ સમા, સરફરાઝ સિધિક ગગડા, ઇમરાન મીરખાન મુતવા અને સુમરાસરના રમેશકુમાર દામજીભાઇ ચાડને પકડાયા હતા. આ તમામ સામે કલમ 135 મુજબ કાર્યવાહી હાથ ધરાઇ   હતી.  પોલીસદળે જારી કરેલી યાદી મુજબ આ ઉપરાંત નશાયુકત હાલતમાં વાહન ચલાવનારા   એક જણ સામે કેસ કરાયો  હતો. તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બાબતે પાંચ વ્યકિત સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ પ્રકારની ખાસ ઝુંબેશ અવારનવારા જારી રહેશે તેમ પોલીસે ઉમેર્યું હતું.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer