હાશ... `વાયુ '' વાવાઝોડું દરિયામાં વિલીન

ભુજ, તા. 18 : છેલ્લા એક સપ્તાહથી હાઉ ઊભો કરનારા વાયુ વાવાઝોડાને આખરે જખૌ દરિયા કાંઠાથી દૂર સદ્રુમાં જ વિખેરાઇ જવાની ફરજ પડતાં ખાસ કરીને વહીવટી તંત્ર અને કચ્છના કાંઠાળ લોકોએ રાહતનો દમ લીધો હતો. અરબી સમુદ્રમાં ગત મંગળવારથી ઉદભેવેલું વાવાઝોડું જે રીતે આગળ વધતું હતું અને તેની તીવ્રતા જોતાં કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં નુકસાન કરી શકે છે તે બાબતને જોતાં સરકાર હરકતમાં આવી ગઇ હતી. અગમચેતીના ભાગરૂપે ક્યાંય કોઈ જાનહાનિ ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી હતી. ખૂબ જ ધીમી ગતિથી આગળ વધતું આ વાવાઝોડું આજે વહેલી પરોઢે કચ્છના કાંઠે ટકરાઈને વિખેરાઈ જાય તેવી હવામાન ખાતાએ શક્યતાઓ દર્શાવી હતી. પરંતુ કચ્છના કાંઠે પહોંચે તે પહેલાં જ દરિયામાં સમાઈ જવાની માહિતી મોસમ વિભાગે આપતાં કચ્છના વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હોવાનું અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમામ સ્તરેથી  પૂરતી તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. તંત્ર સાથે એન.ડી.આર.એફ., સુરક્ષા ટીમો વગેરે કામે લાગ્યા હતા. ગઇકાલે કંડલા અને જખૌમાં બીજી વખત ખસેડવામાં આવેલા કાંઠાળ લોકોને પરત તેમના ઘેર જવા દેવામાં આવ્યા હતા. વાવાઝોડું વિખેરાઇ જતાં હવે સ્થિતિ સામાન્ય છે છતાં મોસમ વિભાગે આપેલી સૂચના પ્રમાણે વરસાદ પડી શકે છે. જ્યારે લો-પ્રેસર પણ ફંટાઇ જતાં ભારે વરસાદની શક્યતા નકારાઇ છે. બહારથી બોલાવવામાં આવેલી એન.ડી.આર.એફ.ની પાંચ ટીમો હજુ તો હાજર જ છે. સવારે રવાના કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વિશેષમાં કચ્છ ઉપર જે ચક્રવાતની ચિંતા હતી તે ટળી ગઇ હોવાનું હવામાન વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું હોવાનું અધિક કલેક્ટર શ્રી ઝાલાએ જણાવ્યું હતું. બીજીબાજુ કચ્છમાં જે વરસાદની આશા બંધાઇ હતી તે નહીં ફળતાં કચ્છના લોકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer