નબળું પડેલું વાયુ કચ્છ પરથી પસાર

અમદાવાદ, તા. 18 (પીટીઆઈ) : ગુજરાત ખાસ કરીને કચ્છમાં ભારે ઉચાટ સર્જનારા `વાયુ' વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. `વાયુ' વાવાઝોડું નબળું પડી આજે સવારે કચ્છ પરથી પસાર થઈ ગયું હોવાની સત્તાવાર જાહેરાત હવમાન વિભાગે કરી છે. આની અસર રૂપે રાજ્યના અમુક ભાગમાં વરસાદ થયો હતો એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. દરમ્યાન રાજ્ય હવામાન ખાતા દ્વારા આજ સાંજે જારી પ્રેસ બુલેટિન અનુસાર `વાયુ'માંથી સર્જાયેલા હવાના હળવા દબાણનો વિસ્તાર જે કચ્છ અને તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર હતો તે હવે દક્ષિણ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર સ્થિત હતો. હવામાનના આવેલા પલટાથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો જોવાયો છે. જે આગામી 24 કલાક જારી રહેશે અને તે પછી ફરી દિવસનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉંચકાશે અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાવાઝોડું `વાયુ' આજે સવારે કચ્છ પરથી પસાર થયું તે સાથે જ તે હળવા દબાણમાં પરિવર્તિત થયું હતું. જેના પરિણામે રાજ્યમાં વરસાદ થયો છે એમ હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના વિજ્ઞાની મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. બંદરો માટેની ચેતવણી ઘટાડવમાં આવી હતી પરંતુ માછીમારો માટેની માર્ગદર્શિકા બુધવારની સવાર સુધી જારી રહેશે. હળવું દબાણ ક્રમશ: નબળું પડતું જશે એમ આઈએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer