ગાંધીધામમાં મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક

ગાંધીધામ, તા. 18 : ખાતરનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ (ઈફકો)  દ્વારા ગાંધીધામ ખાતે આવતીકાલથી આઠ દિવસીય આંતર એકમ સાંસ્કૃતિક મહોત્સવનો ઈફકો કંડલા એકમના યજમાનપદે આરંભ થશે. આ વેળાએ એક સપ્તાહ સુધી ભાતભાતની કલાકૃતિઓનું મંચન થશે. ગાંધીધામના આંગણે બીજી વખત આ મહોત્સવનું આયોજન થશે. ઈફકોના દેશભરમાં આવેલા એકમોના કર્મચારીઓ વચ્ચે પરિવાર  ભાવના કેળવાય અને દેશની વિવિધ સંસ્કૃતિને ઓળખે તેવા હેતુ સાથે દર બે વર્ષે આંતર એકમ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાય છે.  ઈફકો ઉદયનગર ખાતેના ઓડિટોરીયમ ખાતે આવતીકાલે સાંજે 7 વાગ્યે દિલ્હી ખાતેના  એચ.આર. વિભાગના ડાયરેકટર આર.પી. સિંધના મુખ્ય અતિથિપદે આ મહોત્સવનો આરંભ થશે અને આગામી તા. 26 જૂનના સાંજે 7 વાગ્યે ઈફકોના એમ.ડી ઉદયશંકર અવસ્થીની ઉપસ્થિતિમાં ફાઈનલ સ્પર્ધા અને સમાપન સમારોહ યોજાશે.  આ મહોત્સવમાં ઈફકોના કંડલા એકમ ઉપરાંત ફૂલપુર એકમ, હેડ ઓફિસ-માર્કેટિંગ, કલોલ એકમ, પારાદીપ એકમ, આંવલા એકમના કર્મચારીઓની ટીમ ભાગ લેશે. આઠ દિવસીય મહોત્સવમાં અંદાજે 350થી વધુ કલાકારો નાટક, સંગીત, નૃત્ય સહિતની કલાકૃતિઓનું મંચન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2003માં ઈફકો કંડલાના યજમાનપદે આ સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો હતો. દર બે વર્ષે યોજાતો આ મહોત્સવ આગામી સમયમાં કયાં યોજાશે તેની જાહેરાત પણ કરવામાં આવશે. દરરોજ સાંજે 7.30થી 10 વાગ્યા સુધી વિવિધ એકમો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવશે. પ્રત્યેક એકમ દ્વારા રોજની 12 કૃતિઓનું મંચન કરાશે અને તેમાંથી તમામ એકમોની બે શ્રેષ્ઠ કૃતિઓ તા. 26ના એમ.ડી. શ્રી અવસ્થીની હાજરીમાં રજૂ કરાશે. તાજેતરમાં જ વાતાનુકૂલિતની સુવિધાથી સજ્જ કરાયેલા ઓડિટોરીયમમાં આ મહોત્સવ યોજાશે.  સમગ્ર આયોજનને પાર પાડવા કંડલા એકમના વડા શ્રી નારાયણનના માર્ગદર્શન હેઠળ એસોસીએશનના સભ્યો સહયોગી બની રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer