સીંગતેલ સહિતના તેલના ભાવમાં ભડકો

ભુજ, તા. 18 : દુકાળ અને ચોમાસું ખેંચાતાં પરિસ્થિતિ ધીમે ધીમે વણસી રહી હોય તેવી સ્થિતિ જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ પરથી સર્જાઈ રહી છે. ખાદ્યતેલ બજારમાં કાચા માલની આવકો ઓછી થઈ ગઈ હોવા સામે ભાવ વધી રહ્યા હોવાથી સીંગતેલ સહિત કપાસિયા તેલના ભાવ વધ્યા હતા. આયાતી તેલો પર મજબૂતી હતી. સૌરાષ્ટ્રમાં સીંગતેલનો પુરવઠો ઓછો રહ્યો હોવાથી બ્રાન્ડવાળા ભાવમાં લાવલાવ કરીને ભાવ વધારતાં સીંગતેલ છૂટકના ભાવ ઝડપી ઊંચકાઈને રૂા. 1100 થયા હતા. તેની અસરે અહીંની બજારમાં સીંગતેલ પંદર કિલો ડબ્બાના ભાવમાં બ્રાન્ડ મુજબ રૂા. 70/80નો ઉછાળો થઈને રૂા. 1810/1900 થયા હતા. સીંગતેલ પાછળ કપાસિયા તેલ ઊંચકાઈને રૂા. 1250/1350, પામોલીન તેલનારૂા. 972/975 અને સોયાબીન તેલના રૂા. 1280/1370 સુધી થયા હતા. ખાદ્યતેલની તેજી અંગે જાણકારોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે મગફળીનો પાક ઓછો રહ્યો હોવા સામે સરકારે ટેકાના ભાવ વધારીને મગફળીની ખરીદી કરી હતી જેથી પિલાણ મિલોવાળાને તેમજ સ્ટોકિસ્ટોને માલની પડતર ઓછી રહી હતી. હાલ ઓફ સિઝન હોવાથી મગફળીના ભાવ સતત ઊંચકાતા રહ્યા છે. નવી સિઝનને હજુ ચાર મહિનાની વાર છે. સામે આગામી મહિનામાં તહેવારોના દિવસો છે જેની બજાર ઉપર અસર રહી છે. જો કે ઉનાળુ મગફળીની આવકો ધીમી ગતિએ શરૂ થઈ છે પણ તે માલ મોટાભાગે બિયારણ તેમજ સીંગદાણાના કારખાનાવાળાઓ ખરીદે છે. જેથી સીંગતેલ સહિત અન્ય તેલો વધુ વધવાની ધારણા છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer