મીઠીરોહરની કિંમતી જમીનમાં વિવાદ સચિવનો ધાક બેસાડતો ચુકાદો

ભુજ, તા. 18 : ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામની સર્વે નં. 83/3ની જમીન સંદર્ભે નાયબ સચિવે બીજીવાર સ્થાનિક તંત્રનો આદેશ રદ કરી દેતાં જૂની જમીનોના ચાલતા વિવાદોમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. આ જમીન મૂળ સોઢા ઈસા મામદની હતી જે તેમના અવસાન બાદ તેમના પુત્ર આમદ ઈસાના નામે વારસાઈ ધોરણે દાખલ થઈ. આ પછી આ જમીનનું વેચાણ રજિ. દસ્તાવેજથી કરાયું. જે વેચાણ નિયમિત કરતો હુકમ પણ સ્પે. મામ. દ્વારા થયો. જમીનના મૂળ માલિક ઈશા મામદ 1988માં ગુજરી ગયા છતાં તેમના અન્ય કહેવાતા વારસ પુત્રી દ્વારા છેક 2006માં પોતાનો હક્ક આગળ કરી વારસાઈમાં તેઓના હક્ક ડૂબાડેલ છે તેવી રજૂઆત આગળ ધરી અપીલ કરતાં અંજારના મદદનીશ કલેક્ટરે તા. 7/9/07ના ચુકાદાથી વારસાઈ તેમજ ત્યારબાદની નોંધો રદ કરી હતી અને નવેસરથી વારસાઈ કરવા હુકમ કર્યો હતો. જે નાયબ સચિવે રદ કર્યો છે. કલેક્ટર કચ્છ દ્વારા તેમજ વિવાદ સચિવ અમદાવાદ દ્વારા આપવામાં આવેલા તારણોથી સ્પે. મામલતદારનો હુકમ એ કલેક્ટરનો હુકમ હોઈ તેની અસર રદ કરવા નાયબ કલેક્ટરને અધિકાર નથી તેમજ કહેવાતા વારસો દ્વારા 20 વર્ષ સુધી પોતાનો વારસાઈ હક્ક આગળ કરેલો નથી. વેચાણ દસ્તાવેજ રદ કરાવ્યા વિના તથા ખોટી વારસાઈ બદલ પોતાના ભાઈ સામે ફોજદારી કર્યા વિના માત્ર રજિ. દસ્તાવેજથી ખરીદ કરનાર ત્રાહિત વ્યક્તિ જે બોનાફાઈડ પરચેઝર છે તેને મિલકતથી બેદખલ કરી શકાય નહીં તે બાબત પ્રસ્તાપિત કરતો સંક્ષિપ્ત અને ધાક બેસાડતો ચુકાદો મહેસૂલ સચિવ દ્વારા આપવામાં આવ્યો છે. આ ચુકાદાથી ખોટા બહાનાઓ હેઠળ વારસાઈ નોંધો લાંબા સમય બાદ પડકારી પોતાના ગેરકાયદેસર હક્કો આગળ કરી જમીન ખરીદનારને હેરાન પરેશાન કરી ગેરકાયદેસર રીતે નાણા પડાવી લેનારાઓની પ્રવૃત્તિઓ પર રોક લાગી છે. આ કામના તમામ લિટિગેશનો દરમ્યાન એડવો. શશિકાન્ત ઠક્કર અને દીપક ગોસ્વામી જમીન ખરીદનાર તરફે હાજર રહી ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ સાથે દલીલો કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer