ગાંધીનગરથી ડીપીટીને આદેશ : એ 97 લાખ તો ભરવા પડશે

ગાંધીધામ, તા. 18 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા અંદાજે 40 કરોડના ખર્ચે આકાર લઇ રહેલા ડો. આંબેડકર કન્વેન્શન સેન્ટર માટેની જમીન માસ્ટર પ્લાનમાં ગ્રીન બેલ્ટની હતી જે ગાંધીધામ વિકાસ સત્તા મંડળે હેતુફેર કરી આપી હતી. આ પ્રક્રિયાનો  રૂા. 97  લાખનો કન્વર્ઝન ચાર્જ ડીપીટીએ ભર્યો નહોતો. હવે ગાંધીનગરથી આ નાણાં ભરવા આદેશ થયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં 21મી મેના દિવસે અહીં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે 997 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કે એવોર્ડ અપાયા હતા. તેમાં આ આંબેડકર ભવન સમાવિષ્ટ હતું. તેની ડિઝાઇનમાં  ફેરફારો થતાં રહેતાં તેનો આરંભ ખૂબ મોડો એટલે કે, થોડા સમય પહેલાં જ થયો હતો. રોટરી સર્કલ પાસે ટાગોર રોડ સ્થિત અંદાજે ત્રણ એકર જમીન જે ગ્રીન બેલ્ટમાં હતી તેના ઉપર આ ભવન બંધાશે. જીડીએ દ્વારા હેતુફેર બાદ તે માટે નિયમ મુજબ લેવાના થતા કન્વર્ઝન ચાર્જની રકમ ડીપીટીએ  નહીં ભરતાં જીડીએ દ્વારા કામ અટકાવવા નોટિસ બજાવાઈ હતી. ડીપીટીએ આ ચાર્જ ન ભરવો પડે તે માટે ગાંધીનગર સુધી પત્રવ્યવહાર કર્યો હતો.  અંતે  ગાંધીનગરથી આ કન્વર્ઝન ચાર્જના રૂા. 97 લાખ ભરી દેવા આદેશ થયો હોવાનું સમજાય છે. અલબત્ત તે હજુ ભરાયો નથી, છતાં આંબેડકર ભવન નિર્માણનું કામ ચાલુ કરી દેવાયું હોવાનું સૂત્રો જણાવે છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer