24મીએ મળનારી ભુજ સુધરાઇની કારોબારીમાં નવા-જૂનીના એંધાણ

ભુજ, તા. 18 : તાજેતરમાં નિષ્ફળ ગયેલી ભુજ સુધરાઇની કારોબારી સમિતિની બેઠક આગામી 24મીએ ફરી મળે તેવી શક્યતા વ્યકત થઇ રહી છે અને આ બેઠકમાં નવા-જૂની થાય તે માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ સુધરાઇ વિવિધ મુદ્દે સતત વિવાદોથી ઘેરાયેલી જ રહેતી હોય છે. આમ તો દર મહિને કારોબારી બેઠક બોલાવાની હોય છે જેમાં હોદ્દેદારો નિષ્ફળ ગયા છે અને એક વર્ષમાં માત્ર ત્રણથી ચાર જ વખત બેઠક મળી છે. તાજેતરમાં જ કારોબારી સમિતિમાં અમુક નિર્ણયો સામે સભ્યોએ વિરોધ નોંધાવતાં સભા સમેટાઇ હતી. આ બેઠકનો પડઘો છેક ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો હતો અને રાજકીય અગ્રણી સુધી ફરિયાદ પણ કરાઇ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.  હવે ફરી 24મીએ બેઠક યોજવાનું નક્કી કરાયું છે જેમાં નવા-જૂની થાય તેવી શક્યતાઓ સૂત્રો વ્યકત કરી રહ્યા છે. કદાચ કોઇ ભાજપના જ કોઇ અગ્રણીને આ બેઠકમાં ઉપસ્થિત રખાય જેથી વિરોધનો કોઇ સૂર ન ઊઠે તેવું આયોજન ઘડાતું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer