અકસ્માત મૃત્યુ વિશેના કેસમાં કાપી લેવાયેલી રકમ ચૂકવવા ફોરમનો રાષ્ટ્ર સ્તરેથી આદેશ

ભુજ, તા. 18 : માર્ગ અકસ્માતના બનાવ થકી મૃત્યુ પામનારા બાઇકના ચાલકના કિસ્સામાં કચ્છ ફોરમે આપેલો વળતરનો ચુકાદો ફોરમના રાષ્ટ્રીય કમિશને માન્ય રાખીને રાજ્ય કમિશન દ્વારા આ કિસ્સામાં કાપી લેવાયેલી પચ્ચીસ ટકા રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. નવેમ્બર-2009માં વજાભાઇ નટ નામના વ્યકિતની બાઇક ભેંસ સાથે અથડાયા બાદ સારવાર દરમ્યાન વજાભાઇનું મૃત્યુ થયું હતું. આ બાબતે ચૌલા મંડલ ઇન્સ્યોરન્સ કંપની પાસે ગ્રુપ પર્સનલ એકસીડેન્ટ પોલીસી તળે રૂા. પાંચ લાખના વળતર માટે માગણી કરાઇ હતી. મૃતકના પત્ની કુંવરબેને કરેલા આ દાવાને વીમા કંપનીએ મૃત્યુ અકસ્માતના લીધે ન થયાનું કહી નકારી કાઢતાં સમગ્ર કેસ ઊભો થયો હતો. આ કિસ્સાને કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ધારાશાત્રી ઉર્મિશ એસ.સચેદે અને હિરેન એસ. સચદે મારફતે લઇ જવાતાં ફોરમે પાંચ લાખનું વળતર નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ હુકમ સામે વીમા કંપનીએ ફોરમના રાજ્ય કમિશન સમક્ષ અપીલ કરતાં વળતર પૈકી 25 ટકા રકમ કાપી લેવાનો આદેશ કરાયો હતો. આ ચુકાદાને ફોરમના રાષ્ટ્રીય કમિશન સમક્ષ રિવિઝનના સ્વરૂપમાં પડકારાતાં 25 ટકા રકમ ખોટી રીતે કપાઇ હોવાનું તારણ આપી આ રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કરાયો હતો. રાષ્ટ્રીય કમિશન સમક્ષ ફરિયાદીના વકીલ તરીકે અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી શંકરભાઇ સચદે, રાજેશ પી. ઠકકર તથા દિલ્હીના વિવેક આર.મોહંતી અને કુ. પ્રિયદર્શીની પી. નાયક રહ્યા હતા.  - વીમા કંપનીની સામે ચુકાદો : મેડિકલેઇમ પોલિસી લેનારા હેમંત માણેકલાલ શાહ નામના ગ્રાહકના વળતર માટેના દાવાના કેસમાં કચ્છ ફોરમ દ્વારા તેમની તરફેણમાં ચુકાદો આપી આંખના ઓપરેશન સંદર્ભે થયેલા ખર્ચની રકમ વ્યાજ અને અરજી ખર્ચ સાથે ચૂકવવા ચુકાદો આપ્યો હતો.  - ગ્રાહકની વિરુદ્ધમાં ચુકાદો  : માર્બલનો જથ્થો ખરીદી કર્યા બાદ કેટલોક જથ્થો ખામીયુકત નીકળતાં ભુજના નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઉદેપુર રાજસ્થાનની પેઢી પ્રેમ માર્બલ પ્રા.લિ. સામે કરવામાં આવેલી ફરિયાદ ફોરમે રદ કરી હતી અને ગ્રાહકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો. આ બન્ને કેસમાં ગ્રાહક અને સામાવાળા તરફે વકીલ તરીકે હર્ષદકુમાર જગદીશચન્દ્ર જરાદી રહ્યા હતા.  - ઠગાઇના કેસમાં આગોતરા : ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા રૂા. 35 લાખની ઠગાઇના ફોજદારી કેસમાં આરોપી મિરજાપર ગામના હીરાલાલ વેલજી હીરાણીને અદાલતે આગોતરા જામીન આપતો આદેશ કર્યો હતો. જિલ્લા ન્યાયાધીશ આઇ.ડી.પટેલ દ્વારા આ હુકમ કરાયો હતો. આરોપીના વકીલ તરીકે એસ.એમ.ખન્ના, એમ.પી.ઉપાધ્યાય, એસ.એ. ઝરીવાલા, ટી.એન.ચૌહાણ, કે.એમ.ચારણિયા, કુ. એ.બી. હુરબડા, એ.બી.બુદ્ધભટ્ટી અને કુ.બી.પી.ગોર રહ્યા હતા.  - વાહનની ચોરીના કેસમાં ચુકાદો  : અંજારના કાન્તિલાલ રવજી હડિયાની માલિકીનું ડમ્પર ચોરી થવાના કેસમાં વીમા કંપની ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ દ્વારા વળતરનો દાવો અનસેટલ્ડ રખાતાં ફોરમ સમક્ષ ફરિયાદ કરાઇ હતી. ફોરમે બન્ને પક્ષને સાંભળી વીમા કંપનીની સેવામાં ખામીનું તારણ આપતાં વળતરની રકમ રૂા. 15 લાખ આઠ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે અનિલ કે. બાંભણિયા રહ્યા હતા.  - દુષ્કર્મ કેસમાં નિર્દોષ ઠર્યા : દુષ્કર્મ બાબતે નોંધાયેલા કેસમાં અંજારના બારમા અધિક સેશન્સ જજની અદાલત દ્વારા આરોપીઓ શિવા વિશ્વનાથ યાદવ, ચંદનરાય રતનરાય યાદવ, શંકરકુમાર ઉર્ફે શિવનંદન અવધરાય યાદવ અને  રાકેશકુમાર વીરેન્દ્ર યાદવને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં એક આરોપી સગીર વયનો હોવાથી તેનો કેસ બાળ અદાલત ભુજને આધિન છે. આ કેસમાં આરોપીઓ તરફે વકીલ તરીકે એચ.જે.સોનપાર, પારૂલબેન વાય. સોની સાથે વૈશાલી ડી.ચાવડા, વિનોદ જી. મકવાણા, કમલેશ કે. માતંગ, સાવન જી. ગોસ્વામી, જાફર એચ. કેવર, ચેતન કે. ગઢવી અને પ્રકાશ બી. નિમાવણ રહ્યા હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer