ગાંધીધામની ભરચક બજારમાં દુકાનના પતરાં તોડીને 99 હજારની તસ્કરી

ગાંધીધામ, તા 18 : શહેરના ભરચક અને સતત ધમધમતા એવા ચાવલા ચોક નજીક રેલવે કોલોની બાજુ જતા માર્ગ ઉપર આવેલી એક દુકાનનાં પતરાં તોડી નિશાચરોએ તેમાંથી રૂા. 99,500ના મોબાઇલ, એસેસરીઝ વગેરેની ચોરી કરી હતી. શહેરનાં ચાવલા ચોક નજીક રેલવે કોલોની બાજુ જતા માર્ગ ઉપર દુકાન નંબર 29માં આવેલી અર્બુદા મોબાઇલ નામની દુકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. આ દુકાનમાં રાત્રે 9-30થી આજે સવારે 8 વાગ્યા દરમ્યાન આ બનાવ બન્યો હતો. આ દુકાનમાં લાગેલા પી.ઓ.પી. સાથેના પતરાં તોડી નિશાચરો અંદર ખાબકયા હતા અને અંદરથી ટેકનો, આઇટેલ, ઓપો, વીવો, સેમસંગ, રેડમી-7 વગેરે કંપનીના 10 મોબાઇલ, 20 પેન ડ્રાઇવ, 40 મેમરી કાર્ડ, પાવર બેન્ક નંગ-30, સીસી ટીવીનું ડીવીઆર વગેરે મળીને કુલ્લ રૂા. 99,500ની માલ મતાની તફડંચી કરી નાસી ગયા હતા. ચોરીના બનાવને પગલે અંજામ આપનાર શખ્સો રીઢા ચોર હોવાનું સીસી ટીવીનું ડીવીઆર લઇ જતાં ફલિત થયું હતું. આ બનાવમાં 10થી વધુ મોબાઇલની ચોરી થયાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આ શહેરનાં ટ્રાન્સપોર્ટ નગરમાં અગાઉ થયેલી સામૂહિક ચોરીના બનાવો, ગુરુકુળ વિસ્તારમાં પી.એન. અમરશી શાળાની બાજુમાં ઘરમાં ઘૂસીને ધાડ સાથે લાખોની લૂંટ સહિતના બનાવો પરથી હજુ પોલીસ પડદો ઊંચકી શકી નથી અને તસ્કરો ચોરી લૂંટના બનાવોને અંજામ આપતા જાય છે. તથા પોલીસના ગાલ ઉપર તમાચા મારતા જાય છે છતાં આવા ભેદ ઉકેલાતા નથી. ચોરીના આ બનાવ અંગે ઇશ્વર ગણેશ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની રાબેતા મુજબ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer