આદિપુરમાં મકાનમાંથી 1.29 લાખની ચોરી

ગાંધીધામ, તા. 18 : આદિપુરના વોર્ડ 6-એ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરોએ તેમાંથી ટી.વી., સોના-ચાંદીના દાગીના, ઘડિયાળ વગેરે તેમજ બાજુના અન્ય એક મકાનમાંથી ટી.વી. એમ કુલ્લ રૂા. 1,29,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. આદિપુરના વોર્ડ 6-એમાં આવેલા મકાન નંબર 486માં રહેતા અને વેલસ્પન કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા ચેતન ચંદ્રકુમાર યતીએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન અને તેમના પત્ની ગત તા. 15/6ના સાંજે 5 વાગ્યે અમદાવાદમાં રહેતા પોતાના સંબંધીને મળવા ગયા હતા, જ્યાંથી ગઇકાલે સવારે પરત આવતાં પોતાનાં મકાનનું તાળું તૂટેલું હોવાનું બહાર આવ્યું હતું. આ મકાનમાંથી નિશાચરોએ એલ.ઇ.ડી. ટી.વી., અંદરના બેડરૂમમાં આવેલી તિજોરીમાંથી સોનાનું બ્રેસ્લેટ, સોનાનું મંગળસૂત્ર, સોનાની ચાર વીંટી, કાનની બુટી, ચાંદીની બે પાયલ, ચાંદીના બે સિક્કા, રાધા-કૃષ્ણની ચાંદીની મૂર્તિ, બે લેપટોપ, ચાર કાંડા ઘડિયાળની તફડંચી કરી હતી તેમજ બાજુમાં હરેશ સંગતરામ ખેમચંદાણીનાં મકાન નંબર 230માંથી એલ.ઇ.ડી.?ટી.વી. એમ આ બંને મકાનોમાંથી રૂા. 1,29,000ની મતાની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. આદિપુરના જુમાપીર ફાટક પાસે થયેલી રૂા. 16 લાખની સનસનીખેજ લૂંટ, ગાંધીધામના શક્તિનગરમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી અડધા કરોડની લૂંટ, ભચાઉમાં થયેલી સોની વેપારી પાસેથી લાખોની લૂંટ, અગાઉ?થયેલી અનેક મંદિર ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વણઉકેલ્યા છે તેવામાં વધુ એક ચોરીના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer