પૂર્વ કચ્છમાં અકસ્માત-આપઘાતથી ચાર જીવન પૂર્ણ

ગાંધીધામ, તા. 18 : તાલુકાનાં કિડાણાના કરણીનગર વિસ્તારમાં પાણીના ટ્રેકટર નીચે આવી જતાં સોનાક્ષી શ્રવણસિંઘ ફતેહસિંઘ સોઢા (ઉ.વ. 5) નામની બાળકીનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામના કાસેઝની અંદર પગપાળા જતા અયુબખાન અલીખાન મલેક (ઉ.વ. 32) ટેમ્પોની હડફેટે ચડતાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તો ભચાઉ-ગાંધીધામ વચ્ચે રેલવે ટ્રેક ઉપર રાજસ્થાનના ભોરારામ ચૌધરી (જાટ) (ઉ.વ. 32) નામના યુવાને ટ્રેન નીચે  પડતું મૂકયું હતું. જ્યારે કંડલામાં ચક્કર આવતાં પડી જતાં સિકુમાર સ્વામી (ઉ.વ. 37) નામના યુવાનનું મોત થયું હતું.કિડાણાના કરણીનગર મકાન નંબર 235માં રહેનારી સોનાક્ષી નામની બાળકી ગત તા. 15/6ના સાંજે અન્ય બાળકો સાથે પોતાના  ઘરની બહાર રમી રહી હતી. આ સોસાયટીમાં અવારનવાર પાણી આપવા આવતું ટ્રેકટર નંબર જીજે 12 એ એન 8093વાળું ત્યારે ત્યાંથી  નીકળ્યું હતું.  દરમ્યાન આ બાળકી  ત્યાંથી દોડીને નીકળવા જતાં આ તોતિંગ વાહનના પૈડાં બાળકીના માથા પરથી ફરી વળ્યા હતા. જેમાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ  થતાં તેનું મોત થયું હતું. તેમજ ગાંધીધામના કાસેઝ (ઝોન)ની અંદર આજે સવારે જીવલેણ અકસ્માત  સર્જાયો હતો.  કિડાણાનો અયુબખાન નામનો યુવાન આજે સવારે  પોતાના કામે જવા પગપાળા જઈ રહ્યો હતો. દરમ્યાન પાછળથી આવતા ટેમ્પો નંબર જીજે 12 એયુ 7588એ આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ યુવાનને વધુ સારવાર અર્થે ભુજ જીકે જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.વધુ એક આપઘાતનો બનાવ ભચાઉ ગાંધીધામ રેલવે ટ્રેક ઉપર બન્યો હતો. ભચાઉમાં  ટ્રાન્સપોર્ટમાં નોકરી કરનાર ભોરારામ નામના યુવાને ઈન્દોર એકસપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકતા તેના શરીરના કટકા થઈ ગયા હતા. જેમાં તેનું ત્યાં જ મોત થયું હતું. વધુ એક અપમૃત્યુનો બનાવ કંડલામાં આહીર સોલ્ટ એડીબલ ટર્મિનલમાં બન્યો હતો.  સિકુમાર નામનો યુવાન કામ પર જવા પગપાળા જઈ રહ્યો હતો ત્યારે તેને ચક્કર આવતાં પડી જતાં તેનું મોત થયું હતું.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer