કાંઠાળ કચ્છમાં `વાયુ''ના ભણકારા : તંત્ર સજજ

કાંઠાળ કચ્છમાં `વાયુ''ના ભણકારા : તંત્ર સજજ
અમદાવાદ, તા.17: કચ્છ તરફ આવી રહેલું વાયુ વાવાઝોડું હાલ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. વાયુ વાવાઝોડાને કચ્છના દરિયાકાંઠે પહોંચતાં હજુ પાંચ- છ કલાક જેટલો સમય લાગે તેમ છે પરંતુ તેની અસરો દેખાવાની શરૂ થઇ ગઇ છે. જો કે તે કચ્છ તરફ આવશે ત્યારે ડિપ્રેશનમાં ફેરવાતાં તેની તીવ્રતા ઘટી જશે. મોડેથી હવામાન વિભાગે જારી કરેલા બુલેટીન મુજબ વાયુ નલિયાથી 85 કિ.મી. દૂર હતું. દરમ્યાન સોમવારની મધ્યરાત્રિએ જ વાવાઝોડું ગુજરાતના કાંઠેથી પસાર થઈ જશે તેવો વર્તારો હવામાન તંત્રે આપ્યો હતો. તેમ છતાં ભારે વરસાદની આગાહી ધ્યાને લેતા કચ્છમાં પ્રશાસનને એલર્ટ પર રખાયું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના જણાવ્યા પ્રમાણે ડિપ્રેશનમાં ફેરવાયા બાદ 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જો કે આની ચિંતા કચ્છ કે તેની આસપાસના લોકોએ કરવી નહીં કારણ કે વહીવટી તંત્ર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. વાયુ વાવાઝોડું ફરી ગુજરાતના દરિયા કિનારે પહોંચવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં કુલ્લ 24 એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં કચ્છમાં 5 ટીમ તૈનાત છે. જ્યારે જામનગર, દ્વારકા, મોરબીમાં 2-2 ટીમ અને જૂનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, બનાસકાંઠા જિલ્લામાં એનડીઆરએફની 1-1 ટીમ તૈનાત કરાઇ છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે બે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ ભુજમાં કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. કંડલા, મુંદરા, માંડવી બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ હટાવીને 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કચ્છમાં બીએસએફની 2 ટીમ પણ તૈનાત કરાઇ છે. તો બીજી બાજુ વાયુ વાવાઝોડાની અસર હેઠળ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે. વાયુ વાવાઝોડાના પગલે આગામી બે દિવસ કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેની અસર હેઠળ અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. વાયુ વાવાઝોડાના પગલે જ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દ્વારકાના ઓખા બંદર ઉપરાંત વેરાવળ , પોરબંદર અને કંડલા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે તેમજ બિચથી પ્રવાસીઓ અને રહેવાસીઓને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટને પગલે રો-રો ફેરી બંધ કરવામાં આવી છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડું લખપત- માંડવી વચ્ચે ટકરાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને હાલમાં કચ્છમાં તંત્ર ખાસ એલર્ટ મોડ પર છે. હાલ કચ્છમાં માંડવીના દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. માંડવી બિચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer