વાવાઝોડા-વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઝાપટાં

વાવાઝોડા-વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઝાપટાં
ભુજ, તા. 17 : છેલ્લા એક સપ્તાહથી સમુદ્રમાં ઉદ્ભવેલા વાયુ નામના વાવાઝોડાએ હજુય કચ્છનો કેડો મૂકયો નથી. આજે રાત્રે કચ્છના સાગરકાંઠાઓને અડીને વિખેરાઇ જાય તેવી વ્યક્ત થયેલી સંભાવનાઓ વચ્ચે ભારે વરસાદ થઇ શકે છે તેવી પણ ચેતવણી અપાઇ છે. બીજી બાજુ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટા-છવાયા વરસાદી ઝાપટાં પડયાં હતાં, તો કયાંક પવન પણ ફૂંકાયો હતો. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આજે સવારથી દરિયાકિનારાને અડીને આવેલા કચ્છના માંડવી ઉપરાંત કાંઠાળપટ્ટીના ગામોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. તો જિલ્લામથક ભુજ સહિતના કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ દિવસભર સામાન્ય વરસાદી માહોલથી રસ્તા ભીંજાઇ ગયા હતા. જો કે લાંબા સમયથી ચાલતી ગરમીમાં થોડી રાહત થઇ હતી પરંતુ ભેજનું પ્રમાણ યથાવત રહ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે માંડવી શહેરની મુખ્ય બજારમાં કે.ટી. શાહ રેડ ખાતે બે ગાયોને વીજ કરંટ લાગવાથી બન્ને ગાયનાં મોત થયા હોવાના હેવાલ મળ્યા છે. જ્યારે શહેરના નવાપુરામાં પણ એક ગાયને શોક લાગતાં કુલ ત્રણ ગાયના મોત થયાં હતાં. વીજથાંભલા સાથે સંપર્ક થતાં એ થાંભલામાં વીજપ્રવાહ ચાલુ હતો જેનાં કારણે ગાયો મોતને ભેટતાં શહેરના જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ હતી. બીજી બાજુ વાવાઝોડાની દિશા સતત બદલતી રહે છે અને એક વાત એવી પણ આવે છે કે દરિયામાં જ સમેટાઇ જશે છતાં તીવ્રતા ઘટી નથી અને કચ્છના કાંઠા તરફ ધીમી ગતિએ આગળ વધે છે એટલે સતર્કતા રાખવાની હવામાન વિભાગે સૂચના આપી હતી. કચ્છના કલેકટર રેમ્યા મોહનનો સંપર્ક સાધતાં તેમણે પણ જણાવ્યું હતું કે તંત્ર હજુ એકશન મોડમાં છે કારણ કે રાત્રે કચ્છમાં ગમે ત્યાં ભારે વરસાદ વરસી શકે તેવી શકયતા છે. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે રાત્રે 12થી બે વચ્ચે દરિયામાં ભરતી અને ભારે વરસાદ પડી શકે તો સ્થિતિ ગંભીર બને એ માટે અમે સતર્ક છીએ. બંદરો ઉપર વહીવટી તંત્રની ટીમ પોલીસ સાથે હાજર છે. ઉપરાંત આજથી કન્ટ્રોલરૂમમાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીને હાજર રખાયા છે. વાવાઝોડું આજે સવારે નલિયાથી 260 કિ.મી. દૂર દરિયાઇ વિસ્તારમાં સક્રિય છે અને જે રીતે આગળ વધે છે એ જોતાં રાત્રે કચ્છના કાંઠે ટકરાવવાની શક્યતા છે એટલે 40થી 50 કિ.મી.ની પવનની ઝડપ સાથે રાતના ભાગમાં વરસાદ પડી શકે છે. કલેકટરના જણાવ્યા પ્રમાણે શહેરી વિસ્તારમાં જો ભારે વરસાદ થાય તો શહેરોના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા પડે એ માટે નગરપાલિકા સાથે પણ સંકલન સાધવામાં આવ્યું હતું જ્યારે નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ આજે સવારે ભુજ ખાતેની હવામાન વિભાગની કચેરીમાં રૂબરૂ બેઠક યોજી વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો કંડલા અને મુંદરાના બંદરો ઉપર પણ આજે બપોર પછી ત્રણ નંબરના સિગ્નલ લગાડવામાં આવ્યા હોવાથી હજુ કચ્છ માટે વાવાઝોડાનો ઉચાટ યથાવત રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer