મેં નગીનબાપાનું જીવન વાંચ્યું છે : મોરારિબાપુ

મેં નગીનબાપાનું જીવન વાંચ્યું છે : મોરારિબાપુ
રાજકોટ, તા. 17 : નગીનદાસ સંઘવી શતાયુ સન્માન સમિતિ દ્વારા સિદ્ધહસ્ત લેખક, પત્રકાર અને ચિંતક પદ્મશ્રી નગીનદાસભાઈનું રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા ગરિમાપૂર્ણ સમારોહમાં મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું. સમારોહમાં અતિથિવિશેષ તરીકે કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, જન્મભૂમિ જૂથના મેનેજિંગ તંત્રી કુંદનભાઈ વ્યાસ અને ચિત્રલેખા જૂથના ચેરમેન મૌલિકભાઈ કોટક, નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ, રાજકોટના મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં આશીર્વચન પાઠવતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, નગીનદાસ સંઘવીને હું પહેલેથી બાપા કહેતો આવ્યો છું. આજે ફાધર ડે છે અને `સન-ડે' પણ છે. આમ તો નગીનબાપા આવા સન્માન, વખાણથી દૂર રહે પણ મેં દીકરા તરીકે વિનંતી કરી અને એ માની ગયા. બાપા કૈલાસ ગુરુકુળ આવીને રોકાય ત્યારે હું બુદ્ધ વિશે પૂછું, જિસસ વિશે પૂછું કે કોઈપણ વિષય વિશે પૂછું તો તરત વાત માંડે. હું અમુક પાઠ બાપા પાસેથી શિખ્યો છું. બાપા વિરડો છે અને આપણને ઉલેચતાં રહેવાનું મન થાય. મોરારિબાપુએ કહ્યું કે, બાપાની બે વાત મને ખૂબ સ્પર્શે છે. એક તો સાદગી. કાયમ એ સફેદ ઝભ્ભા લેંઘામાં જ હોય. એમની સાદગી જ એમનો શૃંગાર છે. બીજી વાત છે, સરળતા. એ એટલા વ્યવહારુ છે કે, મને તો એમ થાય કે, આપણે એમના વિદ્યાર્થી હોત તો કેવું સારું. મેં નગીનબાપાને ખૂબ નજીકથી જાણ્યા છે. એમણે એમનાં પત્નીની આટલી સેવા કરી હોય, એવો ભરથાર નથી જોયો. મેં નગીનબાપાના પુસ્તકો નથી વાંચ્યા. એમનું જીવન વાંચ્યું છે. આ ગરિમાપૂર્ણ સમારોહમાં શતાયુ સન્માન સમિતિ દ્વારા સન્માનપત્ર અને 11 લાખ 11 હજાર 111ની સન્માન રાશિ અર્પણ કરવામાં આવી હતી. સાથોસાથ નગીનદાસ સંઘવીના તડ ને ફડ અને સોંસરી વાત એમ બે પુસ્તકોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે, દેશના પત્રકારત્વની નારદીય પરંપરા રહી છે કે, એક વાત બીજે ફટાફટ પહેંચી જાય. અત્યારે પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા બધું છે એટલે વાત ફટાફટ વહેતી થઈ જાય પણ જ્યારે આવું કાંઈ નહોતું ત્યારે પણ વાવડ મળી જતા. અફવા ઊડીને આવતી. પુરુષોત્તમભાઈએ કહ્યું કે, નગીનબાપાએ એકવાર મને કહેલું કે, મારે નરેન્દ્રભાઈ મોદીને મળવું છે અને તેમના ઉપર એક પુસ્તક લખવું છે. નરેન્દ્રભાઈ અમદાવાદ હતા ત્યારે મેં એમને વાત કરી અને સરકીટ હાઉસમાં સારો સત્સંગ પણ કરેલો. નગીનદાસબાપાએ મોદીજીને કહેલું કે, હું તમારા વિરોધીઓને પણ મળવાનો છું ત્યારે મોદીજીએ બાપાને કહેલું કે, હું ના પાડીશ તોય તમે તો મળવાના જ છો. નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટે વકતવ્યમાં જણાવ્યું કે, છેક 198પથી નગીનદાસભાઈ મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ છે. હસમુખ ગાંધી અને ચંદ્રકાન્ત બક્ષી ભાગ્યે જ કોઈના વખાણ કરે પણ એ બન્ને કહેતા કે, નગીનદાસભાઈ પત્રકારત્વના શિરોમણી છે. નગીનદાસભાઈ ગુજરાતી પત્રકારત્વનું ઉત્તુંગ શિખર છે. અજયભાઈએ જણાવ્યું હતું કે, રાજકારણ, સમાજકારણ, ધર્મ અને લગભગ તમામ વિષયો ઉપર નગીનબાપાએ લખ્યું છે. આજે સો વર્ષની ઉંમરે પણ એમની સ્મરણ શક્તિ, જાહેર જીવનની નિસબત અને લેખન પ્રત્યેનું કમીટમેન્ટ જરા પણ નથી ઘટયા. રાજકોટના પ્રથમ નાગરિક બીનાબેન આચાર્યએ શતાયુ સન્માન સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. જન્મભૂમિ જૂથના મેનેજિંગ તંત્રી કુંદનભાઈ વ્યાસે જણાવ્યું કે, આજનો દિવસ માત્ર ગુજરાતી પત્રકારત્વ માટે જ નહીં પણ સમગ્ર પત્રકારત્વ જગત માટે મહત્ત્વનો છે. પત્રકારત્વ ક્ષેત્રમાં ભાગ્યે જ કોઈ એવા હશે જે સો વર્ષે પણ સક્રિય હોય, તેમાંના એક નગીનબાપા છે. નગીનબાપાએ પોતાની કલમ સાથે વફાદારી રાખી છે. એ પત્રકારત્વના ભીષ્મ પિતામહ છે. એમની પાસે સંજય દૃષ્ટિ છે. એ મુંબઈ બેઠા બેઠા દિલ્હીમાં શું ચાલી રહ્યું છે, તેનું સચોટ વિશ્લેષણ કરી શકે છે. ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિકભાઈ કોટકે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે, રાજકોટના આંગણે જ્યારે મોરારિબાપુના જ હસ્તે નગીનદાસ સંઘવીને વજુ કોટક સુવર્ણ ચંદ્રક અપાયો ત્યારે જ એવું નક્કી કરેલું કે, રાજકોટના આંગણે નગીનબાપાનું શતાયુ સન્માન કરશું. આજે એ દિવસ આવી પહેંચ્યો છે. નગીનદાસ સંઘવી શતાયુ સન્માન સમારોહમાં સન્માન સમિતિના સદસ્યો જાણીતા ઉદ્યમી જયંતીભાઈ ચાંદ્રા, ફૂલછાબના તંત્રી કૌશિક મહેતા અને ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહનું કાવ્યાત્મક અને રસાળ શૈલીમાં સંચાલન પ્રણવ પંડયાએ કર્યું હતું. સમારોહમાં રાજકોટના શ્રેષ્ઠીઓ, પત્રકારો, સાહિત્યકારો, શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer