કચ્છથી કેસર કેરી-ખારેકની નિકાસમાં ઘટાડો

કચ્છથી કેસર કેરી-ખારેકની નિકાસમાં ઘટાડો
વસંત અજાણી/રમેશ ગઢવી દ્વારા ભુજ/કાઠડા, તા. 17 : ગત વર્ષની ચોમાસા, શિયાળા અને ઉનાળા સહિત ત્રણે ઋતુમાં વિષમતાભર્યા હવામાનની અસર અને દેશમાં મંદીના માહોલના કારણે કચ્છથી રેલવે માર્ગે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે અન્ય રાજ્યોમાં નિકાસ થતી કચ્છની કેસર કેરી અને ખારેકનો ગત વર્ષની તુલનામાં સાઇઠ ટકા ઓછો ટ્રાફિક હોવાનું રેલવે પ્રશાસનના અધિકારીએ જણાવ્યું હતું. બીજીબાજુ, માંડવી તાલુકાના વેપારીઓ કહે છે કે પવનથી કેરીઓ ખરી પડતાં છેલ્લા પાંચ વર્ષની નીચી સપાટીએ વેચાય છે. બાગાયતી પાકોના નિકાસની જાણકારી આપતાં ટ્રાફિક સુપરવાઇઝર રાજેશ માર્થાએ કહ્યું કે, રેલવે દ્વારા પ્રતિ વર્ષે મુંબઇ, મદ્રાસ અને દિલ્હી તરફ કચ્છની કેસર કેરી અને ખારેકની ભારે માંગ હોવાથી પ્રશાસન દ્વારા ભુજથી ઊપડતી દરેક ટ્રેનોમાં બોગીની વિશેષ સુવિધા ઊભી કરાઇ ને કચ્છના ખેડૂતો અને રેલવેને ફાયદો થાય તેવાં પગલાં લેવાય છે. કોન્ટ્રાકટ પર મંજૂરી કરતા શ્રમજીવીઓની પણ વ્યવસ્થા કરાય છે, પરંતુ ચાલુ વર્ષે છેલ્લા સાતેક દિવસથી આંબા અને ખારેકના બોક્ષ પેકિંગની આવક શરૂ થઇ છે. આમ જોઇએ તેટલો ટ્રાફિક ન મળવાનું કારણ પૂછતાં તેમણે ખેડૂતો દ્વારા મળેલી જાણકારીથી જણાવ્યું કે, ગત વર્ષે ત્રણે ઋતુની અનિયમિતતાના લીધે કચ્છમાં પેદાશ થતા દરેક પાકોમાં ઓછો ઉતારો જોવા મળે છે. વળી ઓછા ઉતારાના કારણે માલ મોંઘો થતાં મંદીના માહોલમાં ખરીદદારની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં સાઇઠેક ટકા ઓછો માલ અન્ય રાજ્યોમાં નિકાસ થયો છે. ચીફ કોમર્શિયલ શ્રી માર્થાએ દક્ષિણ ભારતમાં કચ્છની ખારેકની માંગ વધુ હોવાનું પણ જણાવ્યું હતું. મુંબઇ તરફ જતા માલનું રૂા. 3.64 પર કિલોગ્રામ અને અન્ય દિલ્હી અને સાઉથ તરફ જતા માલનું ભાડું એક કિલો ગ્રામના રૂા. 4.82 પૈસા લેખે લેવાય છે. ભુજ રેલવે સ્ટેશને ગઢશીશા અને મઉં બાજુના ખેડૂતો કેરીની નિકાસ કરે છે. જ્યારે કુકમા અને ઝરપરા બાજુના ખેડૂતો ખારેકની નિકાસ કરે છે. અંજાર બાજુના ખેડૂતો અંજાર અને ગાંધીધામ સ્ટેશનથી પોતાનો માલ અન્ય રાજ્યમાં રવાનો કરે છે. ઓછા ટ્રાફિકના કારણે રેલવેને પણ નુકસાન થતું જોવા મળે છે. એક સમયે ભુજ સ્ટેશને નો-રૂમનો માહોલ જોવા મળતો હતો. તેવામાં ઓછા ટ્રાફિકના કારણે ટેમ્પા-છકડા મારફત માલની હેરાફેરી કરતા શ્રમિકોને પણ આર્થિક ફટકે ભોગવવાનો વારો આવ્યો છે. કચ્છમાં મુખ્યત્વે કેસર કેરીનું વધુ ઉત્પાદન થાય છે તેવા ગઢશીશા, મઉં, વિરાણી સહિતના સ્થળોએ હાલ પવનની ગતિ વધતાં અને ક્યાંક ઝાપટાં પડતાં કેસર કેરી ખરી પડી છે. જેના લીધે બજારમાં સ્ટોક વધતાં ભાવ તળિયે પહોંચ્યા છે. છેલ્લા બે દિવસમાં એક કિલો દીઠ 20 રૂપિયા જેટલા ભાવ ઘટયા હોવાનું વેપારીઓ કહે છે. જે અંગે માંડવીના કમિશન એજન્ટ (દલાલ) અરવિંદભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે કેસર કેરીની 10 કિલોની પેટી 200થી 300 રૂપિયા ભાવે વેચાય છે જે ભાવની સપાટી 25થી 30 રૂપિયા એક કિલોના થયા, જે છેલ્લા પાંચ વર્ષની સપાટીએ નીચા છે. હજુ પણ થોડીક બજાર વધ-ઘટ થશે એવું લાગી રહ્યું છે. પણ ચાલુ વર્ષે વધુ ટાઈમ કેસર ટકશે નહીં તેવું લાગી રહ્યું છે. કચ્છની કેસર કેરી વધારે પ્રમાણમાં રાજકોટ, સુરત, અમદાવાદ સહિતના શહેરો તેમજ આફ્રિકા, મસ્કત અને લંડનમાં જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer