કબરાઉ ઉદાસીન આશ્રમમાં ચાતુર્માસ

કબરાઉ ઉદાસીન આશ્રમમાં ચાતુર્માસ
ભચાઉ, તા. 17 : તાલુકાના કબરાઉ-પાંકડસર ઉદાસીન આશ્રમ મધ્યે 250 વર્ષ પછી કચ્છમાં અહીં ચાતુર્માસ દરમ્યાન ઉદાસીન પંચાયતી બડા અખાડા પ્રયાગરાજ `બ્રહ્મણશીલ જમાત'નું આગમન થતાં જગ્યાના મહંત પૂ. કૃષ્ણાનંદજી બાપુ, ગ્રામજનોએ વાજતે-ગાજતે ધોરીમાર્ગ પર સ્વાગત સન્માન કર્યું હતું. આ સાથે પૂર્ણિમાના અવસર પર અનોખી ગોળા પૂજા કરાઇ હતી. અતિ દુર્લભ દર્શન સમા સિદ્ધ ગોળાના પૂજનનો લાભ કબરાઉ ગામના સરપંચ અને વાયુઊર્જા ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ કાનજી જગાભાઇ રાવરિયાએ લીધો હતો. તેમની તરફથી ગોળા પૂજન, સંતો-સેવકોને ભોજન-અરદાસ દક્ષિણાનો લાભ અપાયો હતો. આ તબક્કે દર્શી દેવજીભાઇ પટેલે પોતાના જન્મદિનની ખુશાલી ભેટ દક્ષિણારૂપે સંતોને અર્પણ કરી હતી. સનાતન સંપ્રદાયની અનોખી પરંપરા ભક્તિજ્ઞાન અને શિક્ષણ, ગૌસેવા, વૈદિક ધર્મ-સંસ્કૃતિનો પ્રચાર, ગરીબોની સેવા, અન્નક્ષેત્ર અને દેશની એકતા-અખંડિતતામાં સિંહફાળો બ્રહ્મણશીલ જમાતનો છે. ભૂકંપ કચ્છમાં થયો ત્યારે પ્રધાનમંત્રી રાહતક્ષેત્રમાં રૂપિયા 21 લાખનું યોગદાન આ જમાત તરફથી અપાયું હતું એવું મહંત દુર્ગાદાસજીએ જણાવ્યું હતું. અનોખું ગોળા સાહેબનું પૂજન 350 વર્ષ પૂર્વે નેપાળના વનખંડીબાપુના સિદ્ધયોગી બાબા વનખંડી મહારાજે આપેલા સિદ્ધ ગોળાનું પૂજન અને દર્શન પૂર્ણિમાના દિવસે થાય છે જેનું કબરાઉ ઉદાસીન સંપ્રદાય ખાતે આજે પૂજન, અર્ચન, આરતી ત્રણ કલાક સુધી કરાયા હતા. ગરીબદાસજી આશ્રમના મહંત કૃષ્ણાનંદજીએ કહ્યંy કે, ખુલ્લા વરસાદમાં અવિરત આ ધૂણાનું તિલક નેપાળમાં રાજાને ગાદીએ બેસતાં રાજતિલક કરાતું. સન 1985માં તે બંધ થયા બાદ તેનું ગોળા સ્વરૂપે બ્રહ્મણશીલ જમાત આ પ્રકારે પૂજન કરે છે. કબરાઉ ઉદાસીન સંપ્ર્રદાયના ગરીબદાસજી આશ્રમ ખાતે ચાર માસ માટેનું યજમાનપદું સ્વીકારી ચાર મહંત અને 50 જેટલા સંતો અહીં વિરામ સાથે ધર્મ, ભક્તિ, સાધના, આમપ્રજામાં વૈદિક ધર્મનો પ્રચાર-પ્રસાર કરશે. આ દર્શને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકવર્ગ, જગ્યાના સેવકો અને જિજ્ઞાસુઓ ઊમટી રહ્યા છે. સંપન્ન વિજયાદશમીના થશે. મહંત કૃષ્ણાનંદજી સાથે જગ્યાના સેવકો, રાશનના દાતા, દક્ષિણાના દાતા વગેરે સંભાળી રહ્યા છે. આ જમાત 14 વર્ષ બાદ ચાતુર્માસ કરવા રોકાય છે. આઠ માસ સુધી સમગ્ર ભારતમાં ધર્મ-પ્રચાર સાથે બ્રહ્મણ કરતી રહે છે. પંજાબમાં પાંચ ચાતુર્માસ અને ત્રણ ચાતુર્માસ ગુજરાતમાં થાય છે. આમ ગુજરાતનો યજમાનપદું મેળવવામાં બીજો ક્રમાંક આવે છે. આ તબક્કે પંચાયતી અખાડા બડા ઉદાસીનના પંચ પરમેશ્વરજીના મહંતો પૈકીના મહંત મહેશ્વરદાસજીએ કહ્યું કે, અલ્હાબાદ કુંભમેળો હરિદ્વાર સંપન્ન કરી અહીં આવ્યા છે. મહંત અદ્વૈતાનંદજીએ કહ્યું કે, ઉદાસીન સંપ્રદાય સમગ્ર ભારતમાં ધર્મ-સંસ્કૃતિનો પ્રચાર-લોકકલ્યાણ - પાઠશાળા - દવાખાના - ધર્મશાળા અને મંદિરોનું નિર્માણ કરે છે. સામાજિક, ધાર્મિક, સાહિત્યિક, જનસેવાના કાર્યમાં ખુલ્લા હાથે સહયોગ આપે છે. રાષ્ટ્રીય સંકટમાં રાજ્ય-કેન્દ્રસ્તરે સરકારના કાર્યમાં સહયોગ-સહાયતા કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer