બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ માટે સરકાર કટિબદ્ધ

બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ માટે સરકાર કટિબદ્ધ
કેરા (તા. ભુજ), તા. 17 : આર્થિક પછાત બિનઅનામત વર્ગોને 10 ટકા આરક્ષિત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે ગુજરાતની 50 ટકાથી વધુ વસ્તી જેમાં સમાવિષ્ટ છે તે બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ ભુજ લેવા પટેલ સમાજ ખાતે આયોજિત સભામાં જણાવ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સંગઠનના માધ્યમે સમાજમાં સુવ્યવસ્થા સ્થપાય છે એમ કહી રાજકારણમાં સક્રિય પક્ષીય વ્યક્તિઓ સમાજની કારોબારીમાં ન રહી બહારથી કામ કરે તેવો અનુરોધ કર્યો હતો. કચ્છે ખોડલધામના ચરણે 51 લાખ રૂપિયા ધર્યા હતા. આયોજનને જ્ઞાતિએ ઉપયોગી લેખાવ્યું હતું. 8 લાખ કે ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને 10 ટકા અનામત, મેડિકલ, એન્જિનિયરિંગથી લઇ ધો. 8થી 12, છાત્રાલય સ્વરોજગારલક્ષી યોજનાઓ, વિદેશ અભ્યાસ લોન, જેડબલઇ, નીટ, ગુજકેટ પરીક્ષા કોચિંગ સહાય સહિત અનેકવિધ સહાયકારી નીતિ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે. જેમ અનામત વર્ગોની પીડા છે તેમ બિનઅનામત સમુદાયમાં બધા સુખી સંપન્ન નથી. સરકારી સેવા અને શૈક્ષણિક પ્રવેશ માટે હાંસિયામાં ધકેલાઇ રહેલા બિનઅનામત વર્ગને પણ સામાજિક ન્યાય મળવાનો અધિકાર છે. તેમનું કલ્યાણ પણ સરકારના કેન્દ્રમાં છે, આવી બહુધા માહિતી આપતાં હંસરાજભાઇ ગજેરાએ આયોગના ચેરમેન પદેથી સરકાર વતી ખાતરી આપી હતી. તેમણે કહ્યું; કોઇનું પણ છીનવ્યા વગર ન્યાય કરાયો છે. કચ્છી લેવા પટેલ સમાજ ભુજ, એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ, યુવક સંઘ આયોજિત સભામાં બહોળી સંખ્યામાં લેઉવા પટેલ જ્ઞાતિજનો ઊમટી પડયા હતા. સંગઠનના માધ્યમે સમાજ સુખાકારી, સમાજની કારોબારીમાં રાજકીય વ્યક્તિઓ સ્વૈચ્છાએ ન આવી બહાર રહી જ્ઞાતિની સેવા કરે એ આપણો સિદ્ધાંત છે તેવું કહેતાં રાજ્યની માતબર લેઉવા પાટીદાર ખેડલધામ સંસ્થાના સ્થાપક ચેરમેન નરેશ પટેલે કાર્યકર ઘડતરનો મજબૂત સંદેશો આપ્યો હતો. સમાજની નિ:સ્વાર્થ સેવા કરનાર રાજકીય વ્યક્તિનું ભવિષ્ય ઉજળું હોવાના પણ તેમણે સમાજના શીર્ષસ્થાનેથી સંકેત આપ્યા હતા. આર્થિક સહાયના ફોર્મ ભરવાથી લઇ મંજૂરી માટેનો સ્ટાફ ભુજ સમાજમાં રોકવા સેન્ડલવૂડ વતી જાહેરાત કરાઇ હતી. પ્ર્રમુખ હરિભાઇ કેશરા હાલાઇની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં ત્રણેય પાંખોની કાયર્યવાહક સમિતિ, મહિલા મંડળ, કોર કમિટી, સંગઠન અને સુરક્ષા સમિતિની નોંધ લેવાઇ હતી. એજ્યુકેશન મેડિ. ટ્રસ્ટ અધ્યક્ષ અને ખોડલધામને 21 લાખનું દાન આપનાર દાતા ગોપાલભાઇ માવજી ગોરસિયાએ ભુજ સમાજની શૈક્ષણિક-આરોગ્ય, કૃષિ કૌશલ્યવર્ધન સહિતની માહિતી આપી હતી. તેમણે આગામી સમય માટે સમાજ કારોબારીને સમાંતર રાજકીય સમિતિની જાહેરાત કરી હતી જેને આખાય સમાજે તાળીઓથી વધાવી હતી. શબ્દ સંકલન વસંત પટેલ, આવકાર યુવક સંઘ પ્રમુખ મનજી પીંડોરિયા, આભાર એજ્યુ. મેડિ. ટ્રસ્ટ મંત્રી અને માર્ગદર્શક કેશરાભાઇ પીંડોરિયાએ સંભાળ્યું હતું. ઉપપ્રમુખ કે.કે. હીરાણી, સલાહ સમિતિના અરજણભાઇ પીંડોરિયા મંચસ્થ રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer