રાષ્ટ્રવ્યાપી હડતાળમાં કચ્છભરના તબીબો જોડાયા

રાષ્ટ્રવ્યાપી હડતાળમાં કચ્છભરના તબીબો જોડાયા
ભુજ, તા. 17 : પશ્ચિમ બંગાળના કોલકાતામાં જૂનિયર ડોક્ટર પર થયેલા હુમલા બાદ સોમવારે આઇએમએની રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનમાં કચ્છભરના આઇએમએ સંલગ્ન તબીબો જોડાઇ સલામતી માટે કાયદો બનાવી સંસદમાં પસાર કરવામાં આવે તેવી માંગ સાથે કામથી અળગા રહ્યા હતા. જો કે ઇમરજન્સી સારવાર ચાલુ રખાઇ હતી. સોમવારે તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાળના પગલે કચ્છમાં પણ તેની અસર જોવા મળી હતી. ભુજ સહિત કચ્છના દરેક તાલુકાના ઇન્ડિયન મેડિકલ એસો.ના તમામ તબીબો આ હડતાળમાં જોડાતાં ખાનગી દવાખાના બંધ રહ્યા હતા અને દર્દીઓનો સરકારી દવાખાનામાં ધસારો જોવા મળ્યો હતો. ભુજ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આજે શહેરના ટાઉનહોલ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા જેવો કાર્યક્રમ યોજાયો હતો અને ડોક્ટરોની સલામતી માટે કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસો., હોમિયોપેથી, આયુર્વેદ એસો., દાંતના ડોક્ટરો, ફેમિલી ફિઝિશિયનો, લેવા પટેલ હોસ્પિટલ, ગુજરાત અદાણી હોસ્પિટલ, લાયન્સ હોસ્પિટલ સહિત અંદાજે 800 જેટલા ડોક્ટરો જોડાયા હતા તેમજ રોટરી વોલસિટી, ફલેમિંગો, જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કલબ જેવી સંસ્થાઓએ તબીબોને ટેકો જાહેર કરી સમર્થન આપ્યું હતું તેવો આઇએમએ દ્વારા દાવો કરાયો હતો. આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસો. ભુજના પ્રમુખ ડો. ઘનશ્યામ પરમાર, સેક્રેટરી ડો. વિજય ગોસ્વામી, સિનિયર ડોક્ટરો પી. એન. આચાર્ય, ડો. મહાદેવ પટેલ, ડો. યોગેશ વેલાણી, ડો. સી. વી. લીંબાણી, ડો. નેહલ નાણાવટી, ડો. માધવ નાવલેકર, ડો. પન્નાબેન રૂડાણી, ડો. નંદાબેન મોરબિયા, આયુર્વેદ એસો.ના ચેરમેન ડો. રામ ગઢવી, પ્રમુખ જિતેન્દ્ર ભાનુશાલી, સેક્રેટરી આલાપ અંતાણી, હોમિયોપેથી એસો.ના પ્રમુખ ડો. હિમાંશુ વાલાણી, સેક્રેટરી ડો. રમેશ પટેલ સહિતના તબીબો જોડાયા હતા. જી.કે. જનરલમાં ઇમરજન્સીમાં ધસારો જી. કે. જનરલ હોસ્પિટલ ચાલુ હોવાથી ખાસ કરીને ઇમરજન્સી વોર્ડમાં રોજિંદા 160 દર્દીઓની સામે સાંજે 7 વાગ્યા સુધીમાં 250 દર્દીઓ આવ્યા હતા. હજુ ચાલુ છે તેવું ચીફ મેડિ. સુપરિ. ડો. એન. એન. ભાદરકાએ જણાવી ઉમેર્યું હતું કે, ડોક્ટરોની હડતાળના હેવાલોને પગલે ઓપીડીમાં ઘટાડો નોંધાયો હતો. 700 દર્દી આવ્યા હતા. સિવિલ સર્જન ડો. કશ્યપભાઇ બૂચે વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે જી.કે.માં સરકારી વિભાગો એનસીડી, ટીબી, મેલેરિયા, એચઆઇવી-એઇડઝ વગેરે રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. લેવા પટેલ હોસ્પિટલમાં ફક્ત ઇમરજન્સી સેવા એમએમપીજે લેવા પટેલ હોસ્પિટલના ડોક્ટરો હડતાળમાં જોડાતાં ઓપીડી બંધ રહી હતી. જો કે ઇમરજન્સીમાં 25 દર્દી આવ્યા હતા તે પૈકી 14 દાખલ થયા હતા તેવું મેડિ. ડાયરેક્ટર ડો. મહાદેવભાઇ પટેલે જણાવ્યું હતું. પ્રા.આ. કેન્દ્રો ખુલ્લા રહ્યા કચ્છના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટર ન હોવાથી આવી ખાલી જગ્યાએ આયુર્વેદિક અને હોમિયોપેથિકને જવાબદારી સોંપીને ચલાવ્યા હતા તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડેએ જણાવ્યું હતું. બીજીતરફ શહેરની રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે આવેલી લાયન્સ હોસ્પિટલના તબીબો પણ આજની હડતાળમાં જોડાતાં 40થી 50 જેટલા ગામડામાંથી આવેલા દર્દીઓને પાછા વાળવા પડયા હતા. જ્યારે બે ઇમરજન્સીના કેસ તથા અંદાજે દરરોજ આવતા 50 જેટલા ડાયાલિસીસના દર્દીઓની ઇમરજન્સી સારવાર ચાલુ રખાઇ હતી. હોસ્પિટલના આંખ, દાંત, લેબોરેટરી સહિતના વિભાગો બંધ રખાયા હોવાનું હોસ્પિટલના ચેરમેન ભરતભાઇ મહેતાએ જણાવ્યું હતું. લેબોરેટરી પણ બંધ રહી આઇએમએના બંધના એલાનને સમર્થન આપતાં આજે કચ્છની મેડિકલ લેબોરેટરીઓ પણ મહદઅંશે બંધ રહી હતી. એએસસીઓપીપીએસઓજી નામના મેડિકલ લેબોરેટરીના સંગઠનના ગુજરાતના ટ્રસ્ટી મિહિર અંજારિયા તથા કચ્છના પ્રમુખ રજનીકાંત નકુમે જણાવ્યું હતું કે, ભારતીય મેડિકલ એસો.ને ટેકો આપતાં ગુજરાતની સાથે કચ્છની તેમની હેઠળની તમામ લેબોરેટરીએ કામ બંધ રાખ્યું હતું. અંજાર આઇએમએ જોડાયું દરમ્યાન ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનમાં શહેરના ડોક્ટરોએ 24 કલાક સુધી ઓપીડી સેવા બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી હતી. ડો. શ્યામસુંદરની હોસ્પિટલે એકત્ર થયેલા તબીબોએ વિરોધ કર્યો હતો તેમજ નાયબ કલેક્ટર કચેરી ખાતે શ્રી કંદોઇભાઇને આવેદનપત્ર આપ્યું હતું. અંજાર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. ભાવેશભાઇ પટેલે કેન્દ્ર સરકાર ડોક્ટરોની સુરક્ષા માટે કડક કાયદો લાવે તેવી માંગ પણ કરી હતી. અંજાર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી ડો. નીરવ મોદીએ દર્દીઓના સગા-સંબંધીઓ દ્વારા ડોક્ટર ઉપર થતા જીવલેણ હુમલાને વખોડયો હતો. આ પ્રસંગે ડો, ઝોટા, ડો. જીલડિયા, ડો. અનંત હોંગલ, ડો. વિકાસ તોષનીવાલ, ડો. પરેશ દેત્રોજા, ડો. અરવિંદ માતંગ, ડો. સી. એન. મહેતા, ડો. બી. બી. પટેલ. ડો. નિર્મલ રાવલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer