કપ્તાન સરફરાઝ અને પૂરી પાકિસ્તાની ટીમ દિમાગ વગરની : શોએબ અખ્તર

કપ્તાન સરફરાઝ અને પૂરી પાકિસ્તાની ટીમ દિમાગ વગરની : શોએબ અખ્તર
નવી દિલ્હી, તા 17 : વિશ્વકપની સૌથી રોમાંચક મેચમાં ભારત સામે કારમો પરાજય મેળવનાર પાકિસ્તાની ટીમ અહીં સોશિયલ મીડિયામાં તો મજાકનું કેન્દ્ર બની છે પરંતુ પાકિસ્તાનમાં ખેલાડીઓ પર ટીકાનો મારો થઈ રહ્યો છે. સૌથી વધુ ગુસ્સો શોએબ મલિક પર ઠલવાઈ રહ્યો છે. મલિક હાર્દિક પંડયા દ્વારા પહેલા જ દડે ક્લીન બોલ્ડ થયો હતો. પાકિસ્તાનમાં ટ્વિટર પર મલિકની મજાક ઊડી રહી છે. કોઈએ મેચના 7 કલાક પહેલાં માન્ચેસ્ટરના રેસ્ટોરામાં શોએબ મલિક અને બીજા કેટલાક ખેલાડીઓને ધૂમ્રપાન કરતાં દેખાડીને કહ્યું છે કે ભારત સામેની મેચ પહેલાં જુઓ કેવી સખત મહેનત થઈ રહી છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પરણેલા શોએબ મલિકને કોઈએ `ભારતીય' તરીકે ઓળખાવ્યા છે. એવું ચર્ચાય છે કે ભારત સામેની તેની ગઈકાલની મેચ કારકિર્દીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. કેમ કે, આ વર્લ્ડ કપમાં એ ત્રણ મેચમાં ઈંગ્લેન્ડ સામે 8, ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય અને ભારત સામે શૂન્ય પર આઉટ થયો છે. પાકિસ્તાનના પત્રકારોએ મલિકને ટીમ માટે બોજ લેખાવ્યો છે. આગામી મેચોમાં તેનું સ્થાન આસિફઅલી લઈ શકે છે. 287 વન-ડેમાં મલિકે 7534 રન કર્યા છે અને તેણે આ વિશ્વ કપ બાદ નિવૃત્ત થવાની જાહેરાત આગોતરી કરી છે. શોએબ અખ્તરે પાકિસ્તાની કેપ્ટન સરફરાઝને `મગજ વગર'નો (બ્રેઈનલેસ) કહ્યો છે. તેણે લખ્યું છે કે, સરફરાઝ અહેમદે ટોસ જીત્યા પછી બેટિંગ ન લઈને ભાંગરો વાટયો. તેને ખબર હોવી જોઈએ કે પાકિસ્તાનનું મજબૂત પાસું તેનું બેલિંગ છે નહીં કે બેટિંગ. જે ભૂલ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ કરી હતી એ જ ભૂલ પાકિસ્તાને આ વખતે કરી. પૂર્વ ઝડપી ગોલંદાજે ઉમેર્યું કે માત્ર કપ્તાન નહીં, પૂરી ટીમ અને મેનેજમેન્ટ પણ `બ્રેઈનલેસ' છે. કોઈ દિમાગ વાપરતું જ નથી. બાબર અઝીમ પોતાને વિરાટ કોહલીનો ચાહક લેખાવે છે પણ વિરાટ પાસેથી કંઈ શીખ્યો નથી. પૂર્વ કપ્તાન વસિમ અકરમ કહે છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતની જેમ ફર્સ્ટ કલાસ ક્રિકેટ પર ધ્યાન દેવું જોઈએઁ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer