અફઘાન સામે ઇંગ્લેન્ડનું લક્ષ્ય મહાવિજય

માંચેસ્ટર તા.17: સુકાની ઇયાન મોર્ગન અને ઇન ફોર્મ ઓપનર જેસાન રોયની ઇજાથી પરેશાન વર્લ્ડ કપની હોટ ફેવરિટ ટીમ ઇંગ્લેન્ડની ટીમ મંગળવારે નબળી ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. ત્યારે યજમાન દેશની ટીમનો ઇરાદો અફઘાન સામે મોટી જીત મેળવી બે પોઇન્ટ ગજવે કરવા પર અને રન રેટ સુધારવાનો રહેશે. ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગનને કમરનું દર્દ છે. આથી તેને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની મેચમાં મેદાન છોડવું પડયું હતું. તે અફઘાનિસ્તાન સામે વિશ્રામ લેશે. આથી ઇંગ્લેન્ડનું નેતૃત્વ વિકેટકીપર-બેટસમેન જોશ બટલર સંભાળશે. જયારે સતત રન કરી રહેલ ઓપનર જેસાન રોયના સ્નાયુ ખેંચાઇ ગયા છે. આથી તે લગભગ બે મેચ ગુમાવશે. ઇંગ્લેન્ડના સુકાની મોર્ગને સ્વીકાર્યું છે કે ખેલાડીઓની ઇજા ચિંતાનો વિષય છે, પણ ગભરાવાની જરૂર નથી. કારણ કે અમારી પાસે બેક અપ સારું અને મજબૂત છે. ઇંગ્લેન્ડની ટીમ ચાર મેચમાં ત્રણ જીત સાથે 6 પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ હજુ સુધી વર્લ્ડ કપમાં એક પણ મેચ જીતી શકી નથી. આ ઉપરાંત આ ટીમ તેનો લડાયક જુસ્સો પણ બતાવી શકી નથી તે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને આફ્રિકા સામે આસાનીથી હારી ચૂકી છે. અફઘાન ટીમની ચિંતા તેની આઉટ ઓફ ફોર્મ બેટિંગ લાઇનઅપ છે. સ્ટાર સ્પિનર રશિદ ખાનને છોડીને અફઘાનિસ્તાનનો કોઇ ખેલાડી વિશ્વ કપમાં છાપ છોડી ચૂકયો નથી. માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર પાછલી મેચમાં પાક. સામે ભારતે 336 રન ખડકયા હતા. આથી અહીં જો ઇંગ્લેન્ડને પહેલા દાવ લેવાનો મોકો મળશે તો 3પ0નો સ્કોર જોવા મળે તો આશ્ચર્ય લેખાશે નહીં. આવતીકાલની મેચમાં પણ બપોર બાદ વરસાદના વિઘ્નની શકયતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer