ફરી કંડલામાં લોકોનું સ્થળાંતર શરૂ

ફરી કંડલામાં લોકોનું સ્થળાંતર શરૂ
ગાંધીધામ, તા. 17 : અરબી સમુદ્રમાંથી ઉઠેલા વાયુ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના સાગરકાંઠે નુકસાન પહોંચાડયા બાદ પોતાની દિશા બદલી નાખતાં ગુજરાતને રાહત થઇ હતી પરંતુ હવે તેણે હળવા દબાણમાં પરિવર્તિત થઇને કચ્છની દિશા પકડતાં કચ્છના જખૌથી કંડલા સુધીના સમગ્ર કાંઠાળ ક્ષેત્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી થઇ છે. આજે રાતથી આ અસર શરૂ?થવા શક્યતા હોવાથી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે કંડલાના નીચાણવાળા વિસ્તારોને પુન: ખાલી કરાવવાની શરૂઆત કરી હતી. ડીપીટીના સત્તાવાર સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે બંદર પ્રશાસને ભારતીય વેધશાળાના આદેશને પગલે મહાબંદરે ત્રીજા નંબરનું સિગ્નલ ફરકાવ્યું હતું જેનો અર્થ દરિયો તોફાની બનવા જેવો થાય છે. વાયુ વાવાઝોડું ડીપ ડિપ્રેશન અને પછી લો પ્રેસરમાં ફેરવાયું છે. હાલે દરિયામાં તેની ગતિ અત્યંત મંદ પડી છે અને સંભવત: દરિયામાં સમાઇ જશે પરંતુ તે પહેલાં જખૌ, નલિયા, માંડવી, મુંદરા તથા કંડલા સુધી પવનની પાંખે ભારે વરસાદ વરસાવે તેવી શક્યતા છે. જો તે લેન્ડફોલ કરશે (મતલબ જમીન ઉપર આવશે) તો આજે મધરાત સુધી જખૌથી મુંદરા વચ્ચે ગમે ત્યાં હિટ કરશે. અલબત્ત, તેની શક્તિ ખૂબ જ ઓછી થઇ ગઇ?હોવાથી માત્ર નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી જરૂરી બની છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત સરકાર, પ્રશાસન તથા દરિયાકાંઠાના ગામો, શહેરોને ઉચક જીવે રાખનારા આ વાયુ વાવાઝોડાનો આવતીકાલે લગભગ સંકેલો થઇ જશે તેવું નિષ્ણાતોનું માનવું છે. કચ્છવાસીઓ વરસાદ ગમે તે સ્વરૂપે આવે તો તેને આવકારવા સજ્જ છે. દરમ્યાન, ડીપીટી પ્રશાસને સરવા, બન્ના ઝૂંપડપટ્ટીઓમાં વસવાટ કરતા લોકોને ઊંચા મકાનોમાં લઇ જવા કવાયત શરૂ કરી છે. જો મોજાં ઉછળે અને ભરતીને લઇને પાણી ભરાય તો લોકોનો બચાવ થઇ શકે તે માટે આ પુન: સ્થળાંતર પ્રક્રિયા શરૂ કરાઇ છે. પ્રાંત અધિકારી ડો. જોષી, ડીપીટીના સચિવ વેણુગોપાલ, ડી.સી. શ્રીનિવાસન, ડી.વાય.એસ.પી., પી.એસ.આઇ. વગેરેનો કાફલો મીઠા પોર્ટના સહિતના વિસ્તારોમાં ધસી ગયો હતો અને લોકોને સમજાવીને બસો મારફતે સુરક્ષિત સ્થળોએ ખસેડયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer