ગાંધીધામમાં માત્ર બે ઝાપટાંથી ઠેર ઠેર પાણી ભરાતાં તંત્રની પોલ ખૂલી ગઈ

ગાંધીધામમાં માત્ર બે ઝાપટાંથી ઠેર ઠેર  પાણી ભરાતાં તંત્રની પોલ ખૂલી ગઈ
ગાંધીધામ, તા. 17 : `વાયુ' વાવાઝોડું ફરી સક્રીય થયા બાદ કચ્છ તરફ આવવાની હવામાન ખાતાની જાહેરાત પછી તેની અસરના ભાગ રૂપે ગાંધીધામ કંડલા સંકુલમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો હતો. જો કે હળવા વરસાદી ઝાપટામાં પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં બદતર હાલત સર્જાઈ હતી. આજે વહેલી સવારથી સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે ગગનમાં વાદળો મંડાયા હતાં. સવારના 9 વાગ્યાના અરસામાં દશેક મિનિટ સુધી વરસાદ પડયો હતો. દશેક મિનિટ સુધી એક ધારા વરસાદથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યાં હતાં .બાદમાં 11 વાગ્યાના અરસામાં બીજું ભારે ઝાપટું પડયું હતું. માત્ર બે ઝાપટાંથી શહેરના મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. પાલિકા દ્વારા નાલા બંધ કરાતાં ઝવેરી બજાર પાસે પાણી નિકાલ ન થતાં સાંજ સુધી પાણીનો ભરાવો યથાવત રહ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં કીચડ જેવી પરિસ્થિતિ થતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જરા માત્ર ઝાપટાંથી આવી હાલત થઈ છે, જો ભારે વરસાદ પડશે તો શહેરની શું હાલત થશે તેવો સવાલ શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. દરમ્યાન બપોર બાદ સતત પવનનું પણ જોર રહ્યું હતું. અત્યાર સુધી 43 ડીગ્રી જેવા તાપમાનમાં શેકાયેલા ગાંધીધામવાસીઓએ આજે દિવસભર વાતાવણમાં ઠંડકનો અનુભવ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer