સ્કૂલ વાહનો સામે આરટીઓ-પોલીસની તપાસ

સ્કૂલ વાહનો સામે આરટીઓ-પોલીસની તપાસ
ભુજ, તા. 17 : વિદ્યાર્થીઓને શાળાઓમા તેડવા-મૂકવા જતા ખાનગી ઓટોરિક્ષા- છકડા અને વાનની નોંધણી આરટીઓમાં ફરજિયાત બનાવ્યા અને તે માટેના ધારાધોરણ નિયત કર્યાના દિવસો બાદ આજે સવારે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરતાં 40 વાહન સામે કેસ કરવામાં આવ્યા હતા અને 21 વાહનને ડિટેઈન કરતાં આ ક્ષેત્રના વ્યવસાયીઓમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહીમાં 2.51 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગાંધીધામ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આ જ રીતની તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આરટીઓએ જણાવ્યું હતું કે આ સંયુક્ત તપાસ આખા સપ્તાહ દરમ્યાન જારી રહેશે. ઉલ્લેખનીય છે કે શાળાઓમાં વેકેશન ખૂલતાંની સાથે જ આરટીઓ તંત્રે વાહનવ્યવહાર કમિશનર કચેરીની સૂચનાના આધારે સ્કૂલના બાળકોને પરિવહિત કરતા ખાનગી ઓટો રિક્ષા-છકડા અને વાન તથા બસની આરટીઓમાં અલાયદી નોંધણી કરાવવાનો આદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓનું પરિવહન કરતાં આવાં વાહનોમાં સુરક્ષાના માપદંડ પણ જારી કરવામાં આવ્યા હતા અને તેની પૂર્તતા કરવા વાહનધારકોને તાકીદ પણ કરવામાં આવી હતી.દરમ્યાન, આજથી જિલ્લામાં આરટીઓ અને પોલીસ દ્વારા સ્કૂલરિક્ષા-છકડા, વાન અને સ્કૂલબસોનું ચેકિંગ હાથ ધરાયું છે જે આ સપ્તાહ દરમ્યાન સતત જારી રહેશે એમ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ઘેરથી સંબંધિત શાળા અને તે પછી પરત ઘેર મૂકવા માટે માર્ગો પર દોડતાં વાહનોમાં તપાસ દરમ્યાન સલામતીને લગતી અનેક કચાશો નજર સામે આવી હતી જેનાથી ચોંકી ઊઠેલાં તંત્રે આવી ત્રુટિની પૂર્તતા તાકીદે કરાવી લેવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ દિલીપ યાદવનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે પોલીસ વિભાગ અને આરટીઓ ઈન્સ્પેક્ટરોની ટુકડીઓ આજે સવારથી જ તપાસમાં ઊતરી હતી. બાળકોને તકલીફ ન પડે એ માટે આવી તપાસ સંબંધિત સ્કૂલના પ્રવેશ દ્વાર પર અથવા તો સ્કૂલની નજીક કરવામાં આવી રહી છે. આવી તપાસ આ સપ્તાહ દરમ્યાન અને તે પછી પણ જરૂર પડયે જારી રાખવામાં આવશે. બાળકોની સુરક્ષાને લઈને કોઈ કચાશ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં એમ તેમણે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer