સાહેબ ખાટલે વઇને ઢોરવાડો ચેક કરીએંતા...!

માતાના મઢ, તા. 11 : લખપત તાલુકામાં અછતને પગલે શરૂ થયેલા ઢોરવાડામાં અમુક લેભાગુ સંસ્થાઓ દ્વારા મોટી ગેરરીતિ આચરાતી હોવાની વિગતો બહાર આવી છે. ઢોરવાડામાં પશુઓને દાખલ કરવાને બદલે માત્ર નોંધણી કરી પશુપાલકને સબસિડીની રકમમાંથી અમુક રકમ આપી બાકી ઉપરના નાણાં ચાઉં કરી જવાતા હોવાથી ઢોરવાડા જાણે `ચોરવાડા' હોય તેવું સાબિત થઇ રહ્યું છે. ખુદ આ વિસ્તારના માલધારીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગાંધીનગરથી ચેકિંગ ટીમો તો આવી હતી પરંતુ ખાટલા ઉપર બેસી રજિસ્ટર ચેક કરી ગઇ હતી, ક્યાંય ઢોર ક્યાં છે એવું પૂછ્યું ન હતું. ત્રણ દિવસમાં લખપત તાલુકાના 67 ઢોરવાડાની ચેકિંગ કરી દેવામાં આવી હતી તો શું જાણે ઢોરવાડાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હોય તેવું વલણ?ટીમો દ્વારા દર્શાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઢોરવાડા કેવી રીતે સંસ્થાઓ બનાવે છે એના પર નજર કરીએ તો અલગ અલગ માલધારી પશુપાલકોને ભેગા કરી તેના પશુધનને ઢોરવાડામાં દાખલ કરવામાં આવે છે અને પાણી, કુદરતી છાંયડો હોય તેવી જગ્યા પસંદ કરી ત્યાં ઢોરવાડો ચાલુ કરવાની મંજૂરી સંસ્થા દ્વારા તંત્ર પાસેથી માગવામાં આવે છે. જેમાં પશુધનને સંસ્થા દ્વારા ઘાસચારા તેમજ પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થાને સરકાર તરફથી ઢોરદીઠ સબસિડી આપવામાં આવે છે. વધારાના ઘાસનો જથ્થો સેવાભાવી સંસ્થા દ્વારા આપવાનો નિયમ છે. પશુઓને સરકાર સબસિડી આપે છે તે પશુઓના કાન પર ટેગ લગાડવામાં આવે છે અને સમયસર તંત્ર દ્વારા ઢોરવાડાની વિઝિટ તેમજ ચેકિંગ કરવામાં આવે છે, પણ વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અમુક લેભાગુ સંસ્થા દ્વારા માલધારીઓને ઘાસપાણીની વ્યવસ્થાને લીધે સબસિડીની રકમમાંથી રૂા. 10 કાપી માલધારીને બાકીની રકમ આપવામાં આવી રહી છે. જે કટિંગ થયેલી રકમમાંથી ગરીબ માલધારી પોતપોતાના પશુઓને ઘાસ ખરીદી કરી ખવડાવે છે. દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાં પણ આવી લેભાગુ સંસ્થાઓ માલધારીઓનું શોષણ કરી રહી છે તેવું ખુદ માલધારી જણાવે છે. માલધારીને પૂછવામાં આવ્યું કે, તમે વિરોધ કેમ નથી કરતા ? તેના જવાબમાં માલધારીએ કહ્યું કે, અમારા નાના-મોટા 80 જેટલા ઢોર આ ઢોરવાડામાં છે. વિરોધ કરીએ છીએ તો ઢોરવાડામાંથી પશુઓને કાઢી નાખશું તેવી ધમકી સંચાલકો દ્વારા માલધારીને આપવામાં આવે છે. માલધારી પાસે પોતાની નોંધણી કરાવેલી સંસ્થા નથી. બીજું માલધારી ભણેલા-ગણેલા ન હોવાથી તેઓને નાછૂટકે પોતાના પશુધનને બચાવવા લેભાગુ સંસ્થાઓના શોષણનો ભોગ બનવું પડે છે. તંત્ર દ્વારા ચેકિંગ આવે છે કે નહીં તેવો પ્રશ્ન માલધારીને પૂછતાં તેણે ચોંકાવનારી માહિતી સાથે ડરતાં ડરતાં કહ્યું હતું કે, સાહેબ, અચેંતા પણ ખટલે વઈને ઢોરવાડો ચેક કરીએંતા. ઢોરવાડાની મંજૂરીના આદેશ છૂટતાંની સાથે લખપત તાલુકામાં માલધારી સંસ્થાઓ દ્વારા 70 ઢોરવાડાની દરખાસ્ત મૂકવામાં આવી. જેમાં તંત્ર દ્વારા 67 ઢોરવાડાની મંજૂરી આપવામાં આવતાં કડક નિયમોની શરતે મંજૂર કરાયા હતા. આ વર્ષે 88,49,948 કિલો ઘાસ ઘાસડેપો ખોલી સરકાર દ્વારા રાહતદરે ઘાસનું વેચાણ કરવા માટે આવ્યું હતું જેમાં 87,89,677 કિલો ઘાસનું વેચાણ કરાયું હતું. અત્યારે લખપત તાલુકામાં 60270 કિલો જેટલો સ્ટોક ઘાસડેપો પર વધ્યો છે તેવી માહિતી મળી હતી. ઢોરવાડા ખૂલતાં અઢારમાંથી સાત ઘાસડેપો તંત્રએ બંધ કરતાં અત્યારે અગિયાર ઘાસડેપો કાર્યરત છે. જેમાં દયાપર, માતાના મઢ, બરંદા, પાનધ્રો, પીપર, ઘડુલી, નરા, મેઘપર, કોટડા મઢ, ના.સરોવર, બૈયાવો ગામો ખાતે ઘાસડેપો તંત્રે ચાલુ રાખ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer