જળવાયુ પરિવર્તન સામે અનુકુલન સાધો

જળવાયુ પરિવર્તન સામે અનુકુલન સાધો
ભુજ, તા. 17 : ગીર ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ધોળાવીરા ખાતે જળવાયુ પરિવર્તન સામે અનુકુલન સાધવા માટેની પરિયોજના અંતર્ગત ખડીર વિસ્તારના 10 ગામોના લાભાર્થીઓની વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેમાં અંદાજે 200 જેટલા લાભાર્થીઓ હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન દાંતીવાડા કૃર્ષિ યુનિવર્સિટીના ભચાઉ કેન્દ્રના નિયામક ડો. અમિન સિપાહી તથા અન્ય કૃષિ નિષ્ણાત દ્વારા લોકોને જળવાયુ પરિવર્તન સામે અનુકુલન સાધવા તથા કૃષિ આધારિત વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત આ વિસ્તારમાં આ પરિયોજના હેઠળ કરવામાં આવેલા જળસંચયના તેમજ પાણી રિચાર્જિંગ માટે બનાવવામાં આવેલા સ્ટ્રક્ચર જેને `હોલિયા' તરીકે ઓળખવામાં આવે છે, તે અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાભાર્થીઓ પણ આ પરિયોજના હેઠળ ખડીર વિસ્તારમાં થઈ રહેલા વિવિધ કામગીરીઓ અંગેનાં અનુભવની આપ-લે કરે છે. આ વિસ્તારમાં કુલ લગભગ 1260 લાભાર્થીઓને વિવિધ કામગીરીઓ જેવી કે ઘાસચારા બીજકિટ વિતરણ, ડેરી ઉદ્યોગના કૌશલ્યવર્ધન માટે `ડેરી કિટ'ના વિતરણનું આયોજન તથા જમીનની ફળદ્રુપતા વધારવા કુદરતી સંસાધનોના ઉપયોગ થકી `બાયોચાર'નું ઉત્પાદન અને પાણી રિચાર્જિંગ માટે `હોલિયા'નું નિર્માણ સાથે ટપક સિંચાઇ પદ્ધતિ અને સૌર ઊર્જા સંચાલિત વોટર પંપનું એક સાથે જોડીને એક માળખું તૈયાર કરી કૃષિમાં લાભ થઈ શકે તે માટેની માહિતી પણ આપવામાં આવી હતી. ગીર ફાઉન્ડેશનના નિયામક આર.ડી. કમ્બોજ દ્વારા જળવાયુ પરિવર્તન સામે અનુકુલન સાધવા અંગે વિસ્તૃત જાણકારી તેમજ પરિયેજનાના જુદા જુદા પાસાઓ અંગે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમ્યાન નાયબ નિયામક ઇન્દ્રાસિંહ બારડ દ્વારા પણ લાભાર્થીઓને આ પરિયોજના હેઠળ ચાલતી વિવિધ કામગીરીઓમાં સહયોગ આપવા તેમજ આગામી ચોમાસામાં મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટે હાકલ કરવામાં આવી હતી. સંચાલન ગીર ફાઉન્ડેશનના પ્રો. ઓફિસર ડો. મેઘલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રીમતિ સી.સરસ્વતી જનરલ મેનેજર, નાબાર્ડ, અમદાવાદ તથા કચ્છ જિલ્લાના ડી.ડી.એમ., રમેશ ચુગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છ વન વર્તુળના મદદનીશ વન સંરક્ષક, શ્રી જાડેજા અને પરિક્ષેત્ર વન અધિકારી, ચેતન પટેલે વન વિભાગ તરફથી હાજરી આપી હતી. ગીર ફાઉન્ડેશનના ફિલ્ડ ઓફિસર શ્રી મેંદપરા અને શ્રી જોશી અને અવધૂત ફાઉન્ડેશનના હર્ષદભાઈ તથા તેમની ટીમ સહયોગી બન્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer