મસ્કામાં તળાવને ઊંડું ઉતારવાના કાર્યનો પ્રારંભ : સંગ્રહની શક્તિ વધશે

મસ્કામાં તળાવને ઊંડું ઉતારવાના  કાર્યનો પ્રારંભ : સંગ્રહની શક્તિ વધશે
માંડવી , તા. 17: તાલુકાના મસ્કા ગામે સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત વી.આર.ટી.આઇ.ના માર્ગદર્શન હેઠળ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના આર્થિક સહયોગથી તળાવના ડીપનિંગની કામગીરી હાથ ધરાતાં તળાવના પાણી સંગ્રહમાં વધારો થવાની સાથોસાથ પાણીની ગુણવત્તા અને સ્તરમાં સુધારો થવાની આશા બંધાઇ છે. તાજેતરમાં તળાવના ડીપનિંગના ખુતમુહૂર્તનું કાર્ય સંસ્થા અને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો, ખેડૂતોની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. તળાવમાં 3000 ઘન મીટર માટીકામનું કામ કરવામાં આવશે. જેનાથી 0.085 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે વી. આર.ટી.આઇ.ના પ્રણેતા કાંતિસેન શ્રોફ (કાકા)ની પ્રેરણાથી સંસ્થા જળસંગ્રહની કામગીરીમાં પ્રદાન આપી રહેલી છે. આ અગાઉ બન્ની વિસ્તારના મીઠડી ગામે પણ તળાવ ડીપનિંગની કામગીરી પૂર્ણ કરવા ઉપરાંત ગત વર્ષે આ યોજના હેઠળ 10 વિવિધ તળાવો ઊંડા ઉતારવામાં આવ્યા હતા. હાલે ટપક પિયત પદ્ધતિમાં પણ સરકાર સબસિડી ઉપરાંત ખેડૂતોને ડ્રીપ અપનાવવા વી.આર.ટી.આઇ અને એગ્રોસેલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સમયની જરૂરી આ પ્રવૃત્તિઓમાં વધુ ને વધુ ખેડૂતો જોડાય તેવા પ્રયાસો સંસ્થાના અગ્રણીઓ કરી રહ્યા છે તેવું એક યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer