પૂનમની ભરતી સાથે માંડવી શહેરમાં અડધો ઇંચ વરસાદ

માંડવી, તા. 17 : `વાયુ'ના વરતારા વચ્ચે આખરના દરિયામાં પૂનમની ભરતી સાથે આજે શહેરમાં અડધા ઇંચ મેઘાની પધરામણી થતાં નીચાણવાળા વિસ્તારમાંથી વહેતા વરસાદી નીરની મજા મોસમમાં પહેલીવાર નગરજનોએ માણી હતી. આજે સવારે શહેરમાં નિત્યાનંદ-બાબાવાડી વિસ્તારમાં વેગીલા પવનની થપાટોએ વૃક્ષને શિર્ષાસન કરાવ્યાની ઘટના જાણવા મળી હતી. નગરસેવા સદનના કંટ્રોલમાંથી ભૂપેન્દ્ર સલાટે આપેલી જાણકારી પ્રમાણે બપોરે અઢી વાગ્યા સુધીમાં હળવાં ઝાપટાં રૂપે 11 મિ.મી. વરસાદ નોંધાયો હતો. તરસ્યા જાનમાલને તતડાવતા ધરતીના ધણીએ આગમનની છડી પછાડતાં નગરજનો હરખઘેલા થયા હતા. ફુવાર અને હળવાં ઝાપટાંરૂપે ધરતીને પલાળ્યા પછી મેઘાએ મન ઝાલીને વિરામ લેતાં મહદઅંશે ઉઘાડ થયો હતો. દિવસભર અંધારિયા માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતાં લોકોને બફારાએ અકળાવ્યા હતા. આઝાદ ચોક, લાકડા બજાર, ભીડ વિસ્તારમાંથી વરસાદી વહેણ વહ્યા હતા. આ દરમ્યાન ઋતુચક્ર પ્રમાણે આખરનો દરિયો ફિણોટા સાથે ઊંચા મોજાઓની મસ્તીએ ચડયો હતો. બંદર કચેરી, બ્રેક વોટર (ફુરદો), વીરમાં યોગાનુયોગ પૂનમની ભરતીને લીધે સાગર ઉછાળા મારવા લાગતાં દ્રશ્યો જોવા મળ્યા હતા. માધવનગરમાં લો વોલ્ટેજના કારણે વીજ ઉપકરણો બળી જવાના, રોડલાઇટને નુકસાન થવાની વિગતો મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer