રાપરમાં ટેકાના ભાવે રાયડો ખરીદીની મંદ કામગીરીથી રોષ

ભુજ, તા. 17 : કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાને લઇ ટેકાના ભાવે રાયડો ખરીદવાના નિર્ણયનો અમલ મંદ ગતિએ થતાં રાપર પંથકના ખેડૂતોને હાલાકી થવા સાથે સરકારની યોજનાનો લાભ મેળવવામાં થતા વિલંબને લઇ ખેડૂતોમાં જોવા મળતી રોષની લાગણી અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ધ્યાન દોરી આ કામગીરીને 10થી 15 દિવસની સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવા પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતાએ રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ખેડૂતો માટે લાભદાયી યોજનાનો અમલ થતાં રાપર પંથકના 2400 જેટલા ખેડૂતોએ તેમનો રાયડો વેચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ છેલ્લા બે માસના સમયમાં માત્ર 350 જેટલા ખેડૂતોને આ લાભ માંડ મળી શક્યો છે. નાફેડની દેખરેખ હેઠળ પુરવઠા નિગમ હસ્તક થતી કામગીરીની પ્રક્રિયા અત્યંત મંદ ગતિએ થઇ રહી છે, જેને લઇ ખેડૂતોને અકારણ હાલાકી વેઠવી પડી રહી છે અને યોજનાનો લાભ મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે. સમગ્ર કચ્છમાં છેલ્લા ત્રણેક ચોમાસાં નબળાં ગયાં છે. આર્થિક સમસ્યાનો સામનો કરતા ખેડૂતોના હિતમાં સરકાર પણ સહાનુભૂતિપૂર્વક પગલાં ભરી રહી છે, પરંતુ ક્યાંક અમલની પ્રક્રિયા સંબંધિત અધિકારીઓ દ્વારા મંદગતિએ થતી હોવાથી ખેડૂતોને સમયસર ઉચિત લાભ સાંપડતો નથી તેવી વિગતવાર રજૂઆત સાથે શ્રી મહેતાએ મુખ્યમંત્રીને તાત્કાલિક યોગ્ય પગલાં ભરી ખેડૂતોને સરકારની યોજનાનો પર્યાપ્ત લાભ મળે તે જોવા અનુરોધ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer