ખાલી ધ્યેય નક્કી ન કરો પહોંચીવળો

ખાલી ધ્યેય નક્કી ન કરો પહોંચીવળો
વવાર, (તા. મુંદરા), તા 17 : મુંદરા તાલુકાના વવાર ગામે જય મોરાદાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કમશ્રી માતાજીના હસ્તે દીપપ્રાગટય કરાયું હતું. ગુજરાત રાજ્યના નિવૃત્ત મુખ્ય માહિતી કમિશનર વી.એસ. ગઢવીએ ઉદ્બોધનમાં વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓને કહ્યું હતું કે, ખાલી ધ્યેય નક્કી કરવાથી કશું વળતું નથી તેને પહોંચી વળવા માટે ઘણી મહેનત કરવી જોઇએ, લક્ષ્ય હંમેશાં ઊંચું રાખવું જોઇએ. જે વ્યકિત મહેનત કરશે તે કદી અસફળ નહીં થાય. અતિથિ વિશેષ પદેથી અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજયભાઇ ગઢવીએ કહ્યું હતું કે પોતાનામાં ટેલેન્ટ હોય તો લાગવગની કોઇ જરૂર નથી. મનોચિકિત્સક ડો. દેવજ્યોતિ શર્માએ યુવાઓને સંબોધતાં કહ્યું હતું કે જ્યારે આપણે પરીક્ષા માટે જઇએ ત્યારે આપણને થાય કે આપણે વાંચ્યું છે તે પ્રશ્ન આવશે કે નહીં, એવા નકારાત્મક વિચારોને પોતાના પર હાવિ થવા દેવા નહીં, કારણ કે તેના કારણે મગજ બ્લોક થઈ જાય છે અને સારી રીતે પરીક્ષા આપી શકાતી નથી. હંમેશાં સકારાત્મક વિચાર રાખવા. ના. કલેકટર રાધનપુર શિવરાજભાઇ ગઢવીએ કહ્યું હતું કે પહેલાં આપણને જે પદ જોઇએ તેના માટે લાયક બનવું પડે આપણે પોતે જ આપણું ભલું કરી શકીએ છીએ, સમાજમાં જેટલી શિક્ષણની જરૂર હોય છે તેટલી સંસ્કારની પણ જરૂર હોય છે. પત્રકાર અશ્વિનભાઇ ઝિંઝુવાડિયાએ ગુરુ કરતાં શિષ્ય સવાયો થાય અને બાપ કરતાં દીકરો જ્યારે સવાયો થાય ત્યારે એ બે પાત્રનો આનંદ અનેરો હોય છે. તેમણે જય મોરદાદા એજ્યુકેશન ચે. ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. સેમિનારનું નીલકંઠ કોનકાસ્ટ વડાલા, કાર્બન એડઝ છસરા, ડો. વિકાસ ગઢવી કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલ મુંદરા બ્રાન્ચ તરફથી સહયોગ મળ્યો હતો. ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સૌજન્ય બનેલા દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બહારગામથી વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓએ પણ સેમિનારનો લાભ લીધો હતો. ઉપસ્થિત મહેમાનોમાં અદાણી ફાઉન્ડેશનનાં પંક્તિબેન શાહ, નીલકંઠ કોનકાસ્ટના આનંદભાઇ ગઢવી, કાર્બન એડઝના અંકુર ખન્ના, હિરેનભાઇ ગઢવી, મુકેશ ગોર, ગોવિંદભા ગઢવી, દીપકભાઇ ગઢવી, રાજદે રામાણી વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ખોડુભાઇ ગઢવી, લખુભા ગઢવી તરફથી આર્થિક સહયોગની જાહેરાત કરાઇ હતી. ગોપાલ લધા, રતન રામએ ગાયો માટે એક દિવસનું નીરણ આપ્યું હતું. હરિભાઇ સુમણિયા, નારાણ ગઢવી, હરિ ભલા, દેવરાજ બારોટે દુહા છંદની રમઝટ બોલાવી હતી. શૈક્ષણિક કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના તમામ યુવાનોએ સહયોગ આપ્યો હતો. સંચાલન ધનરાજ બારોટ અને આભારવિધિ વવાર ગ્રામના પી.એસ.આઇ. પાલુભાઇ ગઢવીએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer