ભુજમાં અગમ્ય કારણોસર યુવાનનું સારવારમાં મોત

ગાંધીધામ, તા. 17 : ભુજના સંજોગનગર વિસ્તારમાં રહેતા ફિરોઝ દાઉદ જુણેજા (ઉ.વ. 37) નામના યુવાનને કોઇ કારણે ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયા બાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભુજના સંજોગનગર વિસ્તારમાં ગઇકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. ફિરોઝ તથા તેના પત્ની જમીલાબેનને કોઇ કારણોસર ઇજાઓ થતાં આ બન્નેને સારવાર અર્થે પ્રથમ ખાનગી અને બાદમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે ફિરોઝને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેમના પત્ની જમીલાબેનને સારવાર બાદ રજા આપી દેવાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ રહસ્યમય મોત અંગે ભુજ એ-ડિવિઝનના પી.આઇ. એમ.એન. ચૌહાણનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, આ યુવાનનું મોત કેવી રીતે થયું છે તે હજુ બહાર આવ્યું નથી. તેના શરીરે બાહ્ય ઇજાના કોઇ નિશાન નથી ત્યારે વિશેરા લઇને મોકલવામાં આવ્યા છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આ યુવાનનું મોત કેવી રીતે થયું તે બહાર આવી શકે તેમ છે તથા જે કારણ આવશે તે પ્રમાણે પોલીસ આગળ વધશે તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer