પૂર્વ કચ્છમાં દારૂના ત્રણ જુદા જુદા દરોડામાં 35 હજારનો માલ ઝડપાયો

ગાંધીધામ, તા. 17 : રાપરનાં કીડિયાનગર દરબારવાસ નજીકથી પોલીસે રૂા. 24,960નો શરાબ જપ્ત કર્યો હતો પણ આરોપી હાથમાં આવ્યો ન હતો તેમજ ગળપાદરમાંથી રૂા. 6700નો દારૂ કબ્જે કરી એક શખ્સની અટક કરાઇ હતી તથા ગાંધીધામના સુંદરપુરીમાં એક મહિલાના કબ્જામાંથી રૂા. 3150નો દારૂ હસ્તગત કરાયો હતો તો બીજી બાજુ ભુજમાં દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સની અટક કરી એક બોટલ કબ્જે લેવામાં આવી હતી. કીડિયાનગર દરબારવાસ નજીક તળાવ ખાતે બાવળોની ઝાડીમાં પોલીસે છાપો માર્યો હતો. આ જગ્યાએથી 750 એમ.એલ.ની 48 બોટલ કિંમત રૂા. 24,960નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો પરંતુ દારૂ રાખનારો મહેન્દ્રસિંહ હસુભા વાઘેલા નામનો શખ્સ હાથમાં આવ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગાંધીધામના ગળપાદર ગામમાં આવેલા ભવાનીનગર હાઉસિંગ બોર્ડ ઝૂંપડામાં પોલીસે દરોડો પાડયો હતો. આ વિસ્તારમાં રહેતા જયેન્દ્રસિંહ પ્રભાતસિંહ વાઘેલાના કબ્જામાંથી શરાબની બે બોટલ તથા મોબાઇલ એમ કુલ્લ રૂા. 6700નો મુદ્દામાલ કબ્જે લઇ તેની અટક કરાઇ હતી તેમજ નવી સુંદરપુરીના તળાવડી વિસ્તારમાં રહેનારા સીમાબેન નરેન્દ્ર વીરચંદ પટેલનાં મકાનમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ મહિલાનાં મકાનમાંથી 750 એમ.એલ.ની નવ બોટલ કિંમત રૂા. 3150નો દારૂ જપ્ત કરાયો હતો પરંતુ આ મહિલા પોલીસના હાથમાં આવી નહોતી. તો બીજી તરફ ભુજના નાગર ચકલા મોટા ચોક પાસે એક મકાનમાં પોલીસે ગતરાત્રે દરોડો પાડયો હતો. આ મકાનમાં દારૂની મહેફિલ માણતા અસીત સુરેન્દ્રરાય અંતાણી, જયવંત ચંદ્રવદન અંતાણી, ચંદ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કમલેશ જીવુ ગોસ્વામી અને નિમેષ પરસોત્તમ ડાભીની ધરપકડ કરી તેમની પાસેથી દારૂની એક બોટલ જપ્ત કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer