કેન્દ્રના પર્યાવરણ સુરક્ષાના પ્રયાસને દીનદયાળ પ્રશાસન અવગણે છે !

ગાંધીધામ,તા.17: કેન્દ્ર સરકાર પર્યાવરણના રક્ષણ માટે ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર હસ્તકના દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ ફોરમેટમાં માહિતી ઉપલબ્ધ હોવા છતાં રોકડ રકમ મેળવવાની લાલચમાં હાર્ડ કોપી આપવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ અંગે મળતી વિગતો મુજબ આર.ટી.આઈ એકિટવિસ્ટ રવીન્દ્ર સબરવાલ દ્વારા તાજેતરમાં ડીપીટી પોર્ટ પ્રશાસન પાસે તત્કાલીન ચેરમેન રવિ પરમાર અને સંજય ભાટિયાના કાર્યકાળ દરમ્યાનની બોર્ડ મિટિંગના એજન્ડા અને વિવિધ ઠરાવોની કોપી સહિતની વિગતો ડિજિટલ ફોર્મેટમાં માગી હતી. ડીપીટી પ્રશાસને જણાવ્યું હતું કે વર્ષ 2014થી તમામ બોર્ડના ઠરાવો પોર્ટની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલા છે. એજન્ડાની 29,027 પાનાની માહિતી મેળવવા માટે રૂ.58,054 ભરવા જણાવાયું છે. પોર્ટ પ્રશાસન પાસે અરજદાર દ્વારા કાગળના બચાવ માટે ડિજિટલ દસ્તાવેજ માગવામાં આવ્યા છે. તેમ છતાંય પ્રશાસન પૈસા મેળવવાની લાલચમાં સીડીના બદલે ઝેરોક્ષ કોપી આપવાનું કહી રહ્યું છે. આજે જો કેન્દ્ર સરકારે પર્યાવરણની જાળવણી માટે ટ્રેનોમાં પણ ઈ ટિકિટની પદ્ધતિ લાંબા અરસાથી અમલી બનાવી છે. દરમ્યાન અનેક સરકારી તંત્રો પેપરલેસ બનવાની દિશામાં કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે પોર્ટ પ્રશાસનને માહિતી સીડી ફોર્મેટમાં આપવામાં શું વાંધો છે તેવો સવાલ ઉઠાવાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer