કચ્છમાં અકસ્માત-આપઘાતથી ત્રણનાં મોત

ગાંધીધામ, તા. 17 : નખત્રાણાના દેવપર યક્ષમાં પોતાની દુકાને નવીન ભીમજી દવે (ઉ.વ. 37) નામના યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ અંજારના મકલેશ્વર મંદિરમાં વીજશોક લાગતાં અશ્વિન જીવરામ ચાવડા (ઉ.વ. 47) તથા ભુજના ઢોરીમાં વીજશોક લાગતાં હીરા રાણાભાઈ ગાગલ (ઉ.વ. 42)નું મોત થયું હતું. નખત્રાણાની આંબેડકર કોલોનીમાં રહેનારા નવીન દવેએ આજે સવારે 8થી 11.45ના અરસામાં અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન દેવપર યક્ષમાં પોતાની કલરકામની દુકાને ગયો હતો જ્યાં તેણે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. બીજીબાજુ અંજારના નિર્મલનગરમાં રહેનારા અશ્વિન ચાવડા નામના આધેડ મકલેશ્વર મંદિરમાં ગયા હતા. જ્યાં મંદિરની બાઉન્ડ્રીમાં આવેલી પાણીની મોટર ચાલુ કરવા જતાં તેમને વીજ શોક લાગતાં તેનું મોત થયું હતું. તેમજ ઢોરી ગામમાં રહેતા હીરા ગાગલ પોતાની વાડીએ હતા ત્યારે વાડીના શેઢા પાસે રહેલી વીજ ડી.પી.માં શોર્ટ સર્કિટ થતાં આ યુવાનને વીજ શોક લાગ્યો હતો જેમાં તેનું મોત થયું હતું. આ ત્રણેય બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer