દ્વિશતાબ્દીએ અલ્લાહબંધ પહોંચ્યા ભૂસ્તર વિજ્ઞાની

દ્વિશતાબ્દીએ અલ્લાહબંધ પહોંચ્યા ભૂસ્તર વિજ્ઞાની
ભુજ, તા. 16 : કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના સંયુકત આયોજનથી હાથ ધરાયેલા રાષ્ટ્રીય ફિલ્ડ વર્કશોપ અંતર્ગત 1819ના અલ્લાહબંધ ભૂકંપને બે સદી પૂર્ણ થવા પ્રસંગે બરાબર એ જ દિવસે 16મી જૂને રવિવારે દેશના ટોચના ભૂસ્તર વિજ્ઞાનીઓએ તેમના જુનિયર વૈજ્ઞાનિકો તથા સંશોધકોને આ અભૂતપૂર્વ ભૌગોલિક બદલાવ વિશે સમજ આપીને અનોખી રીતે યાદ કર્યો હતો. સેમિનારના બીજા દિવસે 59 વૈજ્ઞાનિકો- વિદ્યાર્થીઓની ટીમ અલ્લાહબંધ સુધી પહોંચી હતી અને જ્યાંથી પાણીનું વહેણ બદલાયું હતું એ સ્થાને પહોંચી એ જળને સ્પર્શ કર્યો હતો. કચ્છ યુનિ.ના નેજા હેઠળ ટીમ રવિવારે પરોઢિયે નીકળી હતી અને ભૂકંપનું જે કેન્દ્રબિંદુ હતું એ વિઘાકોટ થઇને લાંબો પથ પગે ચાલીને  ભૂસ્તરીય ચર્ચા કરતાં-કરતાં છેક અલ્લાહબંધ વિસ્તારમાં પહોંચ્યા હતા. વિઘાકોટમાં બરાબર સાંજે 6.46 વાગ્યે 200 વર્ષ પહેલાં જીવ ગુમાવનારાઓને  બે મિનિટ મૌનથી શ્રદ્ધાંજલિ અર્પી હતી.  બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ પણ?સાથે રહીને  સહયોગ-માર્ગદર્શન આપ્યા હતા. સેમિનારના  કન્વીનર ડો. એમ. જી. ઠક્કરે કહ્યું હતું કે, અત્યાર સુધી થયેલા સંશોધનોથી વિદ્યાર્થીઓને માહિતીગાર કરવામાં  આવ્યા હતા અને હવે ભવિષ્યમાં નવી પેઢીના વૈજ્ઞાનિકોની આ ભૂકંપ અભ્યાસ પર શી ભૂમિકા હશે તેની સમજ અપાઇ છે. આ દૃષ્ટિકોણથી આ સેમિનાર ખૂબ મહત્ત્વનો બન્યો છે. ઊભરતા વૈજ્ઞાનિકોને ડો. ઠક્કર, ડો. નવીન જુઆલ, પ્રો. ડી.એમ. મૌર્ય, પ્રો. પી. એસ. ઠક્કર, ડો. ભવાનીસિંહ દેસાઇ, ડો. સી. પી. રાજેન્દ્રન, પ્રો. રમેશસિંહ, ડો. કુશાલા રાજેન્દ્રન વિગેરેએ  માર્ગદર્શન આપ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer