વાંઢાયના સીમાડામાં કંપનીના લાખોના લોખંડના સળિયા ચોરનારી ટોળીનો પર્દાફાશ : એક પકડાયો

વાંઢાયના સીમાડામાં કંપનીના લાખોના લોખંડના સળિયા ચોરનારી ટોળીનો પર્દાફાશ : એક પકડાયો
ભુજ, તા. 11 : તાલુકાના વાંઢાય ગામની સીમમાં વાડાસર રોડ ઉપર કાર્યરત એમ.આર.શિવ નામની કંપનીમાંથી રૂા. 24 લાખની કિંમતના લોખંડના સળિયા ચોરી થવાના મામલાનો તાગ પોલીસે મેળવી લીધો છે. આ બાબતે ચોરાઉ મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી તેના સાગરિતો સહિતની સમગ્ર તસ્કર ટોળકી વિશેની વિગતો સપાટીએ લવાઇ છે.  પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે હાથ ધરેલી આ કાર્યવાહીમાં તાલુકાના ભખરિયા ગામની સીમમાં કાયલા ડેમ પાસે આવેલી એક અવાવરુ ઓરડીમાં રખાયેલા ચોરાઉ લોખંડના સળિયા સાથે ભખરિયા ગામના કાસમ ઉર્ફે કાસુ રમજુ અબડાની ધરપકડ કરાઇ હતી. તેની પાસેથી રૂા. 5.52 લાખનો નવ ટનથી વધુ ચોરાઉ જથ્થો કબ્જે કરાયો હતો. સત્તાવાર સાધનોએ આ વિશે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે પકડાયેલા તહોમતદાર કાસુની સઘન પૂછતાછ કરાતાં તેણે એવી વિગતો આપી હતી કે તેના ભાઇ ગફ્yર રમજુ અબડા સાથે અબ્બાસ કેસર ત્રાયા (કમાગુના) અને કોડકીના લતિફ જુશબ મેર અને સામત્રા ગામના અનવર ઇશાક નાગિયાએ અગાઉથી રેકી કર્યા બાદ તા. 8/6 ની રાત્રિ દરમ્યાન વાંઢાયની સીમમાં ટ્રક લઇને ગયા બાદ એમ.આર.શિવ કંપની ખાતેથી આ સળિયા ચોર્યા હતા. આ કંપની ખાતેથી આ સિવાય અગાઉ પણ આ ટોળીએ જુદાજુદા સમયે હાથ માર્યો હોવાનું પણ પૂછતાછમાં બહાર આવ્યું છે. દરમ્યાન આ ચોરી બાબતે કંપનીના મૂળ રાજસ્થાનના વતની સગતારામ રૂપારામ ચૌધરી દ્વારા માનકૂવા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ દાખલ કરાવાઇ હતી. હેડ કોન્સ્ટેબલ માધુભા જાડેજાને કેસની તપાસ સુપરત કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનની કાર્યવાહીમાં એલ.સી.બી.ના કાર્યકારી ઇન્સ્પેક્ટર એમ.બી. ઓઆસુરા સાથે સ્ટાફના સભ્યો જોડાયા હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer