ભારાપરમાં ગ્રામજનો અને ઉદ્યોગગૃહ વચ્ચે ચકમક

ભારાપરમાં ગ્રામજનો અને ઉદ્યોગગૃહ વચ્ચે ચકમક
ગાંધીધામ, તા. 24 : ગાંધીધામ તાલુકાના ભારાપર ગામ ખાતે આવેલા ઉદ્યોગગૃહ દ્વારા ઓકવામાં આવતા પ્રદૂષણ મામલે લાંબા અરસાથી કંપની અને ગ્રામજનો  વચ્ચે  ચાલતી બબાલ આજે હિંસક બની હતી. આ દરમ્યાન પથ્થરમારો થતાં ચારેક જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને  અને ચારેક કંપનીના કર્મચારીઓ સહિત આઠેક જણને ઈજા થઈ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ મામલે કંડલા મરીન પોલીસ મથકે ટોળાં સામે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ ચાલુમાં હોવાનું જાણવા મળે  છે. મોડી સાંજના અરસામાં મામલો  થાળે પડી ગયો હતો. ગાંધીધામ સંકુલ સહિત  જિલ્લાભરમાં ભારે ચકચાર જગાવનારા બનાવ અંગે મળતી વિગતો મુજબ ભારાપર ગામમાં આવેલી સાલ સ્ટીલ કંપની સામે પ્રદૂષણની ગ્રામજનો દ્વારા કરાયેલી ફરિયાદના આધારે પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપનીને મહિના અગાઉ  15 દિવસની કલોઝર નોટિસ અપાઈ હતી. આ દરમ્યાન કંપની દ્વારા બોર્ડની વડી કચેરી સમક્ષ વિવિધ રિપોર્ટસ મુકાયા હતા. જેના અનુસંધાને જીપીસીબીએ કંપની સામેની  15 દિવસની કલોઝર નોટિસ ત્રણ મહિનાની મુદ્દત માટે મુલતવી રાખી હતી. બોર્ડ દ્વારા કલોઝર નોટિસ મુલતવી રખાતાં અને કંપની દ્વારા ફરી કામગીરી શરૂ કરાતાં રોષે ભરાયેલા કિડાણાના ગ્રામજનો આજે બપોરે કંપની ખાતે પહોંચી ગયા હતા. ત્રણ વાગ્યાના અરસામાં કંપની બંધ કરવાની માંગ સાથે ગ્રામજનો બપોરે ત્રણ વાગ્યાથી કંપનીના ગેટ પાસે બેસી ગયા હતા અને કંપનીમાં કોઈને અંદર જવા નહોતા દેતા કે અંદરથી કોઈને બહાર આવવા નહોતા દેતા. સાંજે પાંચ વાગ્યા બાદ ગ્રામજનો બહોળી સંખ્યામાં પહોંચી આવ્યા હતા. આ દરમ્યાન કંપનીની અંદરથી એક કાર બહાર લાવવા માટે પ્રયાસ કરાયો હતો. તેના માટે પોલીસે લોકોને ગેટ પાસેથી  હટાવતાં મામલો બિચક્યો હતો અને પથ્થરમારો કરાયો હતો. મામલો તંગ બનતાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો તેમજ અશ્રુવાયુનો એક સેલ પણ ફોડયો હતો. પથ્થરમારામાં એક મહિલા પી.એસ.આઈ. સહિત બે પી.એસ.આઈ. અને ત્રણ પોલીસ કર્મચારીઓને  હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં અંજાર પ્રાંત અધિકારીએ ઘટના સ્થળે જઈ જાતમાહિતી મેળવી હતી. ગ્રામજનોએ કરેલા પથ્થરમારામાં પોલીસનાં વાહનોમાં પણ નુકસાન  થયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની મિની બસનો કાચ તૂટી ગયો હતો. દરમ્યાન આ બાબતે પૂર્વ કચ્છ પોલીસ અધક્ષીક પરીક્ષિતા રાઠોડનો સંપર્ક કરતાં તેમણે પોલીસ ઉપરના હુમલાને સમર્થન આપ્યું હતું અને પ્રકરણમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું ઉમેર્યું હતું.આ મામલે રાત્રિના કંડલા મરીન પોલીસ મથકે 17 પુરુષો અને 10 મહિલા સહિતનાં ટોળાં સામે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer