કચ્છી કોયલ ગીતા રબારીને કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ

કચ્છી કોયલ ગીતા રબારીને કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ
મુંબઈ, તા. 22 : છેલ્લા 38 વર્ષથી અહીંની કચ્છ શક્તિ સંસ્થા દ્વારા દર અષાઢી બીજે સિદ્ધિ પ્રાપ્ત કચ્છી ભાઈ-બહેનોને કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાય છે. આ વર્ષે કચ્છી કોયલ ગીતાબેન રબારીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ચાલુ વર્ષે સંસ્થા દ્વારા અપાનારા 19 જેટલા શક્તિ રાષ્ટ્રીય એવોર્ડમાં ગીતાબેન રબારી ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ સર કરનારા કચ્છી યુવક કેવલ હિરેન કક્કા, જેટ એરવેઝના પાઈલટ મહેન્દ્ર છેડા તેમજ સમાજરત્ન, સમાજસેવક, નાટયરત્ન, સાહિત્યરત્ન, રમતગમત, વ્યાપાર ઉદ્યોગ એવોર્ડ સહિતના નામો આગામી સમયમાં જાહેર કરાશે તેવું સંસ્થાના પ્રમુખ હેમરાજ શાહે જણાવ્યું હતું. આગામી કચ્છી નવા વર્ષ આષાઢી બીજ તા. 4થી જુલાઈએ સાંજે 6થી રાત્રે 10 દરમ્યાન યોગી સભાગૃહ, દાદર ખાતે યોજાનારા સમારોહનો પ્રારંભ ગીતાબેન રબારી અને અશોક બારોટના લોકડાયરાથી થશે. આ સમારોહ દરમ્યાન સંસ્થા દ્વારા ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા કચ્છ શક્તિ, ચિત્રલેખાના સહકારથી વાર્તા સ્પર્ધા યોજાશે જેમાં ભારતભરમાંથી 266 વાર્તાઓ આવી છે, જેના વિજેતાઓને રૂા. 50 હજારના ઈનામો પણ અપાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer