યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભચાઉમાં અંબાધામનો પાટોત્સવ ઊજવાયો

યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભચાઉમાં અંબાધામનો પાટોત્સવ ઊજવાયો
ભચાઉ, તા. 22 : અહીંના બ્રહ્મલીન કરુણાશંકરભાઇ જોશી દ્વારા પ્રેરિત અને કથાકાર શાત્રી અવિનાશભાઇ જોશી દ્વારા સ્થાપિત અંબાધામનો નવમો વાર્ષિક પાટોત્સવ ભાવભેર ઊજવવામાં આવ્યો હતો. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ભચાઉ સોની સમાજના આદ્ય શક્તિ ધૂન મંડળ દ્વારા ધૂન-ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. બીજા દિવસે પાટોત્સવ યજ્ઞ ભગવદ્ચાર્ય એડવોકેટ દિનેશભાઇ રાવલના આચાર્યપદે યોજાયો હતો. બપોરે મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો. મહાપ્રસાદના દાતા તરીકે ધનજીભાઇ નારણભાઇ હુંબલ (સરપંચ પડાણા) પરિવાર રહ્યો હતો તેમજ અન્ય સહયોગી દાતા તરીકે નંદ એન્ટરપ્રાઇઝ, નંદન એન્ટરપ્રાઇઝ (નાડાપા)ના રણછોડભાઇ છાંગા તથા તેમના સહયોગી ભાગીદારો રહ્યા હતા. સ્થાપક કથાકાર અવિનાશભાઇ જોશીએ સૌને આવકાયા ઍ હતા. આ પ્રસંગે માંડવી-મુંદરા ધારાસભ્ય વીરેન્દ્રભાઇ જાડેજા, નગરપાલિકા પ્રમુખ-ભચાઉ કુલદીપસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા-તાલુકા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોશી, ભાડાના પૂર્વ ચેરમેન વિકાસભાઇ રાજગોર, ખાવડા ફાઇનાન્સ ગ્રુપના પંકજભાઇ ઠક્કર, ઉદ્યોગપતિ શામજીભાઇ તેજા આહીર, બાબુભાઇ ગુજરિયા, ટીનુ મારાજ, મહેશ જોશી, આઇ. જી. જાડેજા, વિનોદ જોશી, બળવંત રાવલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ તો રમજાન માસ હોઇ રોજા રાખ્યા હોવા છતાં મુસ્લિમ સમાજના આગેવાનો અઝીમ શેખ, સૈયદ લતીફશા બાપુ, અકબર બલોચ વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત રહીને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો. શ્રવણ કાવડિયાના આત્માનંદજી તથા આધોઇના પૂજ્ય દયાબાએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે મુંબઇ, રાજસ્થાન, ભરૂચ, અમદાવાદ, કચ્છ-સૌરાષ્ટ્રમાંથી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન ગિરજાશંકર જોશી તથા અંબાધામ પરિવાર દ્વારા સંભાળવામાં આવ્યું હતું. ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આભારવિધિ હરેશભાઇ જોશી દ્વારા કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer