અંજારમાં નૃત્યાંગના બહેનોએ `આરંગેત્રમ'' રજૂ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા

અંજારમાં નૃત્યાંગના બહેનોએ `આરંગેત્રમ'' રજૂ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા
અંજાર, તા. 22 : અહીંના ટાઉનહોલમાં બે સગી નૃત્યાંગના બહેનો કિન્નરી અને બાગેશ્રીએ તાજેતરમાં દક્ષિણ ભારતની ત્રણ શાત્રીય નૃત્ય શૈલી ભરત નાટયમ, કુચીપુડી અને મોહિની અટ્ટમના ત્રિવેણી સંગમ સમાન આરંગેત્રમ રજૂ કરી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કલાગુરુ સુમા મેડમના હસ્તે દીપ પ્રાગટય તથા ઘૂંઘરુ પૂજનવિધિ બાદ પુષ્પાંજલિથી તિલ્લાના સુધીનું એક માર્ગમ બંને બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. દરેક કૃતિની  પ્રસ્તુતિથી ઉપસ્થિત પ્રેક્ષકો  મંત્રમુગ્ધ બની ગયા હતા અને સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠયો હતો અને અંતમાં જ્યારે બંને બહેનોએ કુચીપુડી તથા મોહિની અટમની જુગલબંદી  પ્રસ્તુત કરી ત્યારે  સર્વ પ્રેક્ષકોએ પોતાના સ્થાન પર ઊભા થઇ બંને બહેનોને  વધાવી લીધી હતી. પ્રસ્તુતિ બાદ કલાગુરુ  સુમા મેડમ દ્વારા બંને બહેનોને પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરાયા હતા. તેમણે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું આરંગેત્રમ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત થયું છે, જેમાં બંને બહેનોએ ત્રણ નૃત્યશૈલીઓ એકસાથે પ્રસ્તુત કરી છે. કાર્યક્રમની પ્રસ્તુતિ નિહાળી પ્રભાવિત સુમા મેડમે દક્ષિણ ભારતની નૃત્ય કલાક્ષેત્રે મહાન બહેનોના દૃષ્ટાંત આપી બંને બહેનોને `ચંદે સિસ્ટર્સ'નું બિરુદ આપતાં જણાવ્યું કે, ભવિષ્યમાં આ નામથી દેશ-વિદેશમાં નૃત્ય ક્ષેત્રે તેમનો પરિચય થશે. આ પ્રસંગે  ઇફકો-કંડલાના સિનિયર જનરલ મેનેજર પી.વી. નારાયણ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તથા પ્રમુખ રાજેશભાઇ પલણ, બળવંતભાઇ રાજદે, વસંતભાઇ કોડરાણી, ગોવિંદભાઇ કોઠારી, સંજયભાઇ દાવડા, ભરતભાઇ શાહ, મહેન્દ્રભાઇ કોટક, ગોવિંદભાઇ દનિચા, રાજેશભાઇ?સિસોદિયા, વિવિધ કલાગુરુઓ, આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને  સ્નેહીજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. પરિવાર વતી મહેમાનોનું સ્વાગત, ગુરુજનોનું સન્માન તથા આભારદર્શન માતા-પિતા શ્રુતિબેન મહેશભાઇ ચંદેએ કર્યું હતું. સંચાલન વિજયકુમારજીએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer