કેફી દ્રવ્યોનો ડિલિવરી પોઇન્ટ ઓળખાયો ?

ભુજ, તા.22 : સોમવારે કચ્છની જળસીમાએથી કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલા કરોડોની કિંમતના કેફી દ્રવ્યોના સનસનાટીભર્યા કેસમાં હવે નશાનો આ મોતનો સામાન ભારતમાં ક્યાં પહોંચાડવાનો હતો અને કોણ તેની ડિલિવરી લેવાનું હતું એવા ચાવીરૂપ સવાલોના જવાબ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યંy છે  તો મળતી માહિતી મુજબ માલ પહોંચાડવાના સ્થળનો પ્રાથમિક ખુલાસો તપાસનીશ એજન્સીઓની પાસે થઇ ગયો હોવાનું અને આગામી દિવસોમાં આ સંદર્ભે વધુ રહસ્યો છતા થશે એવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.  સોમવારે કચ્છની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય જળ સીમાની અંદર ભારતીય તટ રક્ષક દળે સફળ ઓપરેશન હાથ ધરીને છ પાકિસ્તાનીઓ સાથેની એક બોટ ઝડપી લીધી હતી.  બોટમાં અંદાજે 600 કરોડનો કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલોએ સૌ કોઇને ચોંકાવી મૂક્યા હતા.  મંગળવારે મોડી સાંજે આ પાકિસ્તાની બોટને જખૌ લઇ અવાયા બાદ કોસ્ટ ગાર્ડ અને આ ઓપરેશન માટે સચોટ બાતમી આપનાર ડિપાર્ટમેન્ટ એાફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા તપાસ હાથ ધરાઇ છે.  આજે આ તપાસમાં પોલીસ અને તેના ત્રાસવાદ વિરોધી દળ ઉપરાંત કેન્દ્રીય અને રાજ્ય સ્તરની સલામતી એજન્સીઓ જોડાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યંy છે. જે છ પાકિસ્તાનીઓને બોટમાં નશાના સામાન સાથે ઝડપી લેવાયા છે તેમની ઓળખ પ્રસ્થાપિત થઇ ચૂકી અને તેમની પ્રાથમિક પૂછપરછ પરથી એવી વિગતો મળી છે કે કરાચી નજીકની એક જેટીએથી તેમને બોટમાં આ કેફી દ્રવ્યો ચડાવી અપાયા હતા અને સાથે રહેલા જીપીએસમાં અક્ષાંશ અને રેખાંશ લોડ કરીને તેના આધારે માલ પહોંચાડવાની સૂચના અપાઇ હતી.  કોસ્ટ ગાર્ડ અને ડીઆરઆઇ પાસે આ જીપીએસનો કબ્જો હોવાનું અને તેમને માલની ડિલિવરીના અક્ષાંશ રેખાંશના આધારે સ્થળની પણ માહિતી હોવાનું ઉચ્ચ કક્ષાના વર્તુળો કહી રહ્યા છે.  આ કેસના સંદર્ભમાં સત્તાવાર રીતે ગુનો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે એમ જણાવીને આ વર્તુળોએ વધુ માહિતી આપી હતી કે જે સાત ભારતીયોને આ સાથે ઝડપવામાં આવ્યા છે તેઓ ખરેખર તો આ પાકિસ્તાની બોટની નજીક માછીમારી કરતા હતા અને તેમને શંકાના આધારે જખૌ લવાયા છે.  આવનારા દિવસોમાં નશાના સામાનને ક્યાં પહોંચાડવાનો હતો અને કોણ તેને લેવાનું હતું તે સ્પષ્ટ થઇ જશે એવી આશા તપાસનીશ એજન્સીઓ સેવી  રહી છે.      

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer