ચીન સામે 0-પથી હારીને ભારત સુદીરમન કપની બહાર

નાનિંગ (ચીન), તા. 22 : દસ વખતના ચેમ્પિયન ચીને બીજી અને આખરી ગ્રુપ મેચમાં પ-0થી ભારતીય ટીમને હાર આપીને સુદીરમન કપ મિકસ બેડમિન્ટન ચેમ્પિયનશિપની બહાર કરી દીધું છે. ગ્રુપ વન ડીની પહેલી મેચમાં ભારતની મલેશિયા સામે 2-3થી હાર થઇ હતી. આથી ભારતને ચીન સામે ચમત્કારિક પ્રદર્શનની જરૂર હતી, પણ ભારતીય ખેલાડીઓએ નિરાશાજનક દેખાવ કર્યો હતો. મિકસ ડબલ્સમાં ભારતીય જોડી પ્રણવ જેરી ચોપરા અને એન. સિકકી રેડ્ડી સૌથી પહેલાં ચીની જોડી સામે હારી હતી. જયારે સિંગલ્સમાં ઇજાગ્રસ્ત કે. શ્રીકાંતના સ્થાને કોર્ટ પર ફરી ઊતરેલ સમીર વર્મા ચીની ખેલાડી ચેન લોંગ સામે 17-21 અને 20-22થી હારી ગયો હતો. મેન્સ ડબલ્સમાં પણ ભારતીય જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી હારી ગયા હતા. સાઇનાની હાર સૌથી ચોંકાવનારી રહી હતી. તે ચીની ખેલાડી ચેન યુફેઇ સામે માત્ર 33 મિનિટમાં 12-21 અને 17-21થી હારી હતી.  મહિલા ડબલ્સમાં પણ અશ્વિની પોનપ્પા અને એન. સિકકી રેડ્ડીની હાર થઇ હતી. આથી ચીને પ-0થી ભારત સામેનો મુકાબલો જીતીને સુદીરમન કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જયારે ભારતીય ટીમ બહાર થઇ ગઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer