દરેક માટે ટીમ ઇન્ડિયાનું ઝડપી બોલિંગ આક્રમણ પડકારરૂપ

નવી દિલ્હી, તા. 22 : ટીમ ઇન્ડિયા ત્રીજો વિશ્વ કપ જીતવાના મક્કમ ઇરાદા સાથે ઇંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. આ વખતે ભારતનું ઝડપી બોલિંગ આક્રમણ પહેલાંની તુલનામાં વધુ મજબૂત માનવામાં આવી રહ્યું છે. યુવા બોલર જસપ્રિત બુમરાહ ભારતની ફાસ્ટ બોલિંગના આક્રમણની આગેવાની લેશે. તેના સાથમાં મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર રહેશે. જાણકારોનું માનવું છે કે ઇંગ્લેન્ડની કન્ડિશનમાં ટીમ ઇન્ડિયાની સફળતા આ ત્રણ બોલર આધારિત રહેશે. ભારતીય ટીમમાં આ ત્રણ રેગ્યુલર ફાસ્ટ બોલર સાથે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પણ સારો મીડિયમ પેસર છે. વિજય શંકર પર સારો ચેન્જ બોલર છે. વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડની મોસમ ગરમ અને સૂકી રહેશે. આથી કાંડાથી સ્પિન કરતા સ્પિનરોની ભૂમિકા પણ મહત્ત્વની બની રહેશે. આથી ઉપરોકત ત્રણ ઝડપી બોલરને કુલદીપ અને ચહલનો પણ સારો સાથ મળી રહેશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જોસન ગિલેસ્પીએ ભારતીય બોલિંગ આક્રમણની પ્રશંસા કરતાં કહ્યું કે ટીમ સંતુલિત છે અને બોલરોમાં વિવિધતા છે. આથી તે બીજી ટીમોને પડકાર આપશે. તેણે બુમરાહને સૌથી ખતરનાક બતાવ્યો હતો. બુમરાહની બોલિંગ એકશન બિનપરંપરાગત છે. આથી તેના યોર્કર ખતરનાક હોય છે. તેના દરેક બોલ સંભાળીને રમવા  પડે છે. જે મેં આઇપીએલમાં જોયું છે, તેમ ગિલેસ્પીએ કહ્યું હતું.  શમી સતત લાઇન લેન્થ જાળવી બોલિંગ કરે છે. જ્યારે ભુવનેશ્વર પાસે સ્વિંગ અને સીમ બન્ને છે. તે નકલ બોલ પણ સારી રીતે ફેંકી શકે છે. તે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી વખતે ઇંગ્લેન્ડમાં સફળ રહ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer