આજે પરિણામ : કચ્છ બેઠક કોને ફળશે ?

ભુજ, તા. 22 : 17મી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશની સાથે કચ્છની બેઠક માટે આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારી ચૂંટણીપંચે આજે આટોપી લીધી હતી. આમ, આવતીકાલે સાંજ લગી સાંસદનું ભવિષ્ય સ્પષ્ટ થઇ જશે. કચ્છની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક માટે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે, તે સિવાય અન્ય આઠ?ઉમેદવારોએ પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. કચ્છ-મોરબી વિધાનસભાની સાત બેઠકોને જોડીને બનેલી આ બેઠક પર ભાજપ વતી રિપિટ થયેલા વર્તમાન સાંસદ વિનોદભાઇ ચાવડા અને કોંગ્રેસ વતી પૂર્વ અધ્યક્ષ નરેશભાઇ મહેશ્વરી વચ્ચે સીધો મુકાબલો છે. આ બેઠકના કુલ્લ મતદારો 17,43,825 પૈકી 10,15,357 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ, કુલ્લ મતદાન 58.23 ટકા થયું છે. અલબત્ત, ગત 2014ની ચૂંટણી કરતાં આ વખતે 3.24 ટકાનો ઘટાડો થયો હતો. અગાઉ 61.47 ટકા હતું. આમ, મતદાનનો ઘટાડો કોને લાભકારક અને કોને હાનિ કરશે તે જોવું રસપ્રદ થઇ પડયું છે. આ ચૂંટણીમાં જો ભાજપના વિનોદભાઇ ચાવડા વિજયી થશે તો તેમની સતત બીજી ટર્મ થશે અને જો નરેશભાઇ જીતે તો તેમના માટે અને કોંગ્રેસ માટે આ પ્રથમ અવસર હશે કારણ કે વરસોથી આ બેઠક ભાજપનો ગઢ બની ચૂકી છે.આવતીકાલે ગણતરી માટે સમગ્ર તખતો ઇજનેરી કોલેજ ખાતે ખસેડાયો?છે. ચૂંટણી પરિણામ આવતાં મોડીસાંજ થવાની શક્યતા જોવાઇ રહી છે કારણ કે મતોની ગણતરી બાદ વિધાનસભાના પાંચ-પાંચ બૂથોના વીવીપેટના ઓબ્ઝર્વર અને ચૂંટણી દ્વારા ડ્રો પદ્ધતિથી કાઢી વીવીપેટના મતોનું કાઉન્ટિંગ થશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer