પૂર્વ કચ્છમાં અકસ્માત - આપઘાતથી ત્રણ મોત

ગાંધીધામ, તા. 22 : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માત અને અકસ્માત મોતના જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણ માનવજિંદગી  પર પૂર્ણવિરામ મુકાયું હતું. અંજાર-મુંદરા ધોરીમાર્ગ  ઉપર  ટેન્કર અને ટેક્ટર વચ્ચે  થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અભિમાન વામન અંભોરે (ઉ.48)નું મોત થયું હતું. તો બીજી  બાજુ   અંજાર -ગળપાદર ધોરીમાર્ગમાં ટેન્કર અને ટેઈલર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા પપ્પુકુમાર રામલખન રામ(ઉ.27)નું મોત થયું હતું. તેમજ ગાંધીધામ તાલુકા  મીઠીરોહરના એક ખાનગી એકમમાં રાજેશ તલુ(ઉ.19)એ અગમ્ય કારણોસર  આત્મહત્યા કરી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું  કે ભુવડ થી ચાંદ્રોડા  તરફ જતા માર્ગ ઉપર ગઈકાલે રાત્રે 9.30 વાગ્યાના અરસામાં ટેન્કર (ક્રશર-ટી.એમ) નં. જીજે12. સીએમ. 2927એ   ટ્રેકટર નં. જીજે03. એસએસ. 2251ને પાછળથી  ટક્કર મારી  હતી જેમાં ટેન્કરચાલક  અભિમાન અંભોરેને માથાના ભાગે ગંભીર  ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. આ બનાવમાં ટેકટરચલાક મગાભાઈ લખુભાઈ આહીર  અને પાંડુરંગ નારાયણ ગાયકવાડને ઈજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.  માર્ગ અકસ્માતનો  બીજો બનાવ અંજારથી  ગળપાદર જતા માર્ગ  પર મારવાડી  હોટલ  પાસે બન્યો હતો. ટ્રેલર નં. જીજે 12. એયુ. 9080એ ઉભેલા ટેન્કર નં. જીજે12. ઝેડ. 3108ને ટક્કર મારતા ટેલરચાલક પપ્પુકુમાર રામલખન રામને  માથાના ભાગે  તથા પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચતા તેનું મોત થયું  હોવાનું પોલીસ સૂત્રોમાંથી  બહાર આવ્યું હતું. મીઠીરોહરમાં આવેલી  અરહંમ સ્ટીમર કંપનીમાં  ગઈકાલે બપોરે 2.30 વાગ્યાના  પહેલાંના કોઈ પણ સમયે  રાજેશ  તલુએ પોતાના રૂમમાં કપડાં વડે ગળેફાંસો  ખાઈ આત્મહત્યા કરી હતી. હતભાગીએ આ પ્રકારનું  અંતિમ  પગલું કયાં કારણોસર ભર્યું  હશે  તે સહિતની વિગતો અંકે કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ  એ.એસ.આઈ. પૂનમભાઈ મહેશ્વરીએ આરંભી  છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer