સાંયરામાં ત્રિદિવસીય યુવા મહોત્સવ

વિથોણ (તા. નખત્રાણા), તા. 22 : સાંયરા (યક્ષ) કડવા પાટીદાર યુવક મંડળની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં ત્રણ દિવસીય સ્વર્ણિમ  મહોત્સવ  ઊજવાઇ  રહ્યો છે. આ યુવા મહોત્સવ માણવા બહાર વસતા સાંયરાવાસીઓ મોટી સંખ્યામાં માદરે વતન આવ્યા હોવાથી સાંયરા ગામ શહેર જેવું બની ગયું છે. આ મહોત્સવ ગામ છોડીને ધંધાર્થે પરદેશ ગયેલા ગામના લોકોને એક છત્ર તળે લાવવા અને પરિચય વધારવાનો એક સેતુ માત્ર છે. સાંયરા કડવા પાટીદાર સમાજ યુવક અને મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમોથી ભરચક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આખા ગામને સજાવવામાં આવ્યું છે. મંદિરો ઉપર કૃત્રિમ પ્રકાશ આપતી રંગબેરંગી લાઇટો મૂકવામાં આવી છે. ઉત્સવને ધ્યાનમાં રાખી આખા ગામમાં  સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાજલબેન ઓઝા અને સાંયરા ગામના પુત્રવધૂ અને મનથી માતૃત્વ સુધીના પુસ્તકની લેખિકા હર્ષા પોકારના સમાજજોગ વકતવ્યો ઉપરાંત શિક્ષણ અને વેપાર ઉપર ફોકસ પાડવામાં આવશે. યુવા રંગમંચના માજી કર્ણાધારોના સન્માનો, ગામની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, શિક્ષણ જીવનનો આધાર આ વિષય ઉપર પ્રો. મોહનભાઇ છાભૈયાના વકતવ્યનું આયોજન થયું છે. ગામની શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનારી યુવા પ્રતિભાઓના સન્માન, અનેક ભાષાના તજજ્ઞોના વિચારો અને શકિતમાન સમાજની બુનિયાદ યુવા મંડળ ઉપર સમાજના વડીલો અને તજજ્ઞો પોતાના વિચારો વહેતા મૂકવા જઇ રહ્યા છે. ત્રી સમાજનું આભૂષણ છે. નારીને સન્માન સાથે આગળ લાવવા યુવક મંડળ પ્રયાસ કરી રહ્યું છે. મહોત્સવ પ્રસંગે સમાજના રમતવીરોની કૌશલ્યતા માટે રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer