કામદારોના પડતર પ્રશ્ને આગામી 10મી જૂને ધરણાનો કાર્યક્રમ

ભુજ, તા. 22 : તાજેતરમાં ભારતીય મજદૂર સંઘ રાજકોટ અને જૂનાગઢ વિભાગની મળેલી સંયુક્ત બેઠકમાં આંગણવાડી, જી.એમ.ડી.સી., પાણી પુરવઠા, એસ.ટી., વિદ્યુત, પોર્ટ, સિમેન્ટ, આશાવર્કર, નગરપાલિકા, શૈક્ષણિક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કામદારોના પડતર પ્રશ્નોની ચર્ચા કરી આગામી 10મી જૂને સાંજે 4થી 6 દરમ્યાન જિલ્લા કલેક્ટર કચેરી સામે વિશાળ સંખ્યામાં ધરણાનો કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો હતો. આ ધરણા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ઉદેશીને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જેમાં આંગણવાડીના કાર્યકર/ હેલ્પરનો જાહેર કરાયેલો પગાર વધારો એરિયર્સ સાથે ચૂકવવો, રાજ્યના તમામ બોર્ડ, નિગમના કર્મીઓને સાતમા પગારપંચના 19 માસના અરિયર્સનું ચૂકવણું, લઘુતમ વેતન બોર્ડની પુન:રચના કરવી, સુધરાઇના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ, સિમેન્ટ ઉદ્યોગમાં વેજબોર્ડની અમલવારી, એસ.ટી.ના ફિક્સ પગારદારોને સાતમા પગારપંચનો લાભ, એસ.ટી.ના જી.એસ.ઓ. પરિપત્રોમાં સુધારો-વધારો કરવો નહીં, ઇ.પી.એફ.ના પેન્શનરોને સુપ્રીમના ચુકાદા મુજબ પેન્શનનો લાભ આપવો સહિતના મુદ્દાની રજૂઆત કરવામાં આવશે. આ બેઠક પ્રદેશ ઉપાધ્યક્ષ વાય. જે. વ્યાસના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ વી. એમ. ચાવડા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ કરસનભાઇ કટારિયા, પ્રદેશમંત્રી સહદેવસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer