અંજાર-ગાંધીધામમાં વ્યાજનું વિષચક્ર ગંભીર બન્યું

ગાંધીધામ, તા. 22 : કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામ સંકુલમાં અને અંજારમાં છેલ્લા કેટલાક સમયથી બેરોકટોક રીતે કેટલાક માલેતુજારો દ્વારા ઊંચા વ્યાજે નાણાં આપી દેવાદારોને  શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની રાવ ઊઠી  છે. આ પ્રકારના નાણાકીય વ્યવહારનાં પરિણામે  અનેક લોકોએ જીવ ખોવા સુધીનો પણ વારો આવ્યો  છે.  આર્થિક રીતે નબળા અને  મધ્યમવર્ગના લોકો દ્વારા  પોતાની  રોજબરોજની  નાણાકીય જરૂરિયાત તથા વ્યવહારને પહોંચી વળવા માટે શ્રીમંતો  પાસેથી નાણાકીય  મદદ  લેવાતી હોય છે. જેના બદલામાં  માલેતુજાર દ્વારા ગેરવાજબી  કહી શકાય તે  પ્રકારના મનસ્વી વ્યાજ વસૂલવામાં આવતા હોય છે. આ અંગે જાણકારોએ  જણાવ્યું હતું કે નાણાં ધિરાણે આપવાના  વેપલામાંકેટલાક  સારા માણસો  દ્વારા  સામાન્ય વ્યાજે પૈસા આપી ઉપયોગી બનવાનો પ્રયાસ કરવામાં આવે છે.  તો બીજી બાજુ  કેટલાક તત્ત્વો  દ્વારા ગેરકાયદેસર રીતે 15થી 30 ટકા સુધી ઊંચા વ્યાજે  મીટર પ્રથાએ પૈસા અપાય છે. મોટાભાગે આ પ્રકારના વ્યાજના વિષચક્રમાં નાણાંની તીવ્ર જરૂરિયાતવાળો નાનો અને શ્રમિકવર્ગ સપડાતો હોય છે. આ વિષચક્રમાં ફસાયેલા લોકો પાસે પૂરતું પીઠબળ નહીં હોવાનાં કારણે વ્યાજે પૈસા આપનાર લોકો દ્વારા પઠાણી પ્રથાથી   વસૂલાત તથા નાણાં  ન આપનારને શારીરિક અને માનસિક  ત્રાસ આપવામાં આવે છે. અમુક લાલચુ લોકો દ્વારા  હિસાબોમાં  ગરબડ  કરી વધુ પૈસા  પડાવવા માટે ષડયંત્ર કરાતું હોય છે. ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ગાંધીધામ-આદિપુરમાં વ્યાજે નાણાંના મુદ્દે વેપારીનું અપહરણ, ખંડણી સહિતના બનાવો  સમયાંતરે પ્રકાશમાં આવ્યા  છે. અલબત્ત આ તત્ત્વો સામે પરિણામલક્ષી કાર્યવાહી થતી  જ નથી. જેથી આ લોકોને બળ મળી રહ્યંy છે. આર્થિક સંકડામણના સંજોગોમાં ગમે તે રીતે વ્યવહાર સાચવતો આ વર્ગ નાણાં વ્યાજે લેવાનો માર્ગ સ્વીકારે છે. તેની પાસે યોગ્ય દસ્તાવેજો તથા નાણાંની રકમના અવેજમાં  મૂકવામાં  માટે વસ્તુ ન હોય તો  વ્યાજખોરોને સારા પ્રમાણમાં ફાયદો કરાવાતો હોય છે. આ  વિષચક્રમાં ફસાયેલા અનેક લોકોએ પોતાની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાવા સુધી આખરી  માર્ગ અપનાવી  ચૂકયા છે.  2001ના વિનાશક ભૂકંપ બાદ  આવેલા ઔદ્યોગિક  એકમમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો પણ  આ વમળમાં ફસાયા હોવાનું પણ જાણકારોએ ઉમેર્યું હતું.આ વિષયે તંત્ર દ્વારા મનોમંથન કરી નાણાં ધિરાણે આપનાર ગેરકાયદેસરની પેઢીઓ  સામે કાર્યવાહી  થવી જોઈએ તેવી સમય માંગ છે.      

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer